બુધવાર, 15 નવેમ્બર, 2017
ગુરુવાર, 17 માર્ચ, 2016
શાહી પનીર: Shahi paneer
શાહી પનીર:
સામગ્રી:
આદુ :1 ઈંચનો ટૂકડો છીણી લેવો ,
લસણ :8 કળી ,
ટામેટા : 2 નંગ મધ્યમ કદના ,
ડુંગળી : 2 નંગ મધ્યમ કદની,
બદામ : 5 નંગ,
કાજૂ : 10 થી 12 નંગ,
પનીર : 200 ગ્રામ,
મોટી ઈલાયચી : 2 નંગ,
નાની ઈલાયચી : 2 નંગ,
તજ : 2 નંગ,
લવિંગ : 2 નંગ,
દહીં : 1/4 કપ, ફીણી લેવું,
ફ્રેશ ક્રીમ : 2 ચમચા,
હળદર : 1/4 ચમચી,
લાલ મરચા પાઉડર : 1/2 ચમચી,
ધાણા પાઉડર : 1/2 ચમચી,
જીરું પાઉડર : 1/4 ચમચી,
ગરમ મસાલો : 1/2 ચમચી,
તેલ : 2 ચમચા,
કેસર : 6 - 7 તાતળા,
પાણી : જરૂર પ્રમાણે,
રીત :
સૌ પ્રથમ ડુંગળી અને ટામેટાના મોટા કટકા કરી લેવા, ઈલાયચીના દાણા કાઢી લેવા, પનીરને 1 ઇંચના ચોરસ ટુકડામાં કટ કરવા, હવે એક કુકર ગરમ કરવું, તેમાં સમારેલ ડુંગળી, ટામેટા, કાજૂ, બદામ, છીણેલ આદુ અને લસણ નાખી સાંતળવા, બેએક મિનીટ સાતળી તેમાં એક ગ્લાસ પાણી ઉમેરવું, ત્યારબાદ કુકર બંધ કરી, તેમાં બે સીટી વગાડી ગેસ બંધ કરવો, કુકર ઠંડુ થાય એટલે ઢાંકડુ ખોલી પાણી અલગ કાઢી રાખી બાફેલ વસ્તુમાંથી પેસ્ટ તૈયાર કરવી, હવે એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં તજ, લવિંગ, નાની અને મોટી ઈલાયચી શેકવી, ગેસ ધીમો કરી હળદર, લાલ મરચું નાખવું, ત્યારબાદ પેસ્ટ ઉમેરવી, હવે તેમાં ધાણા પાઉડર, જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી આ વાસણને બંધ કરી બે મિનીટ ગ્રેવી પકાવવી , ત્યારબાદ તેમાં વધેલું અલગ રાખેલ પાણી ઉમેરવું, ફરી બંધ ઢાંકણમાં બે મિનીટ પકાવવું, હવે ગેસ બંધ કરી ગ્રેવી ઠંડી કરી તેમાં દહી ઉમેરવું, ફરી ગેસ ચાલુ કરી ગ્રેવી હલાવતા જવી , હવે ક્રીમ અને મીઠું ઉમેરવું, ત્યારબાદ તેમાં પનીર ક્યુબ ઉમેરી, હલાવીને એકાદ મિનીટ ઉકાળી ગેસ બંધ કરી કેસર વડે સજાવવું।
શનિવાર, 13 ફેબ્રુઆરી, 2016
વેલેન્ટાઈન કૂકી કેક : valentine cake
વેલેન્ટાઈન કૂકી કેક :
સામગ્રી :
મેંદો : 1 કપ ,
ઘટ્ટ દૂધ [ ફુલ ક્રીમ મિલ્ક ] : 500 મિલી,
ખાંડ : 8 ચમચી ,
ખાવાનો સોડા : 1/2 ચમચી,
બેકિંગ સોડા : 1 ચમચી,
ઘી : 1 ચમચી,
તેલ : 1 ચમચી જેટલું,
છાસ : 2 ચમચી,
કોકો પાઉડર : 1,1/2 ચમચી,
બટર : 1 કપ,
કોર્નફલોર : 2 ચમચી,
ખાંડનો પાઉડર : 3/4 કપ,
સ્ટ્રોબેરી ક્રશ : 8 થી 10 ચમચી
રીત :
સૌ પ્રથમ દુધમાં 8 ચમચી ખાંડ નાખી તેને એક જ દિશામાં ચમચા વડે ફેરવતા જઈ ઉકાળવું, દૂધ લગભગ અડધા ભાગનું રહે એટલું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરવો, તેમાં 1 ચમચી ઘી નાખી હલાવી લેવું, હવે એક વાસણમાં મેંદો, ખાવાનો સોડા, બેકિંગ પાઉડર અને કોકો પાઉડર આ બધું મિક્સ કરી ચાળી લેવું, તેને તૈયાર કરેલ ઘટ્ટ દૂધ [ કન્ડેન્સ્ડ મિલ્ક ] માં ધીમે ધીમે નાખતા જવું, હલાવતા જવું, ગઠ્ઠા ના રહે તેમ હલાવવું, હવે તેમાં બે ચમચી છાશ ઉમેરવી, ત્યારબાદ 2 માઇક્રોવેવ સેફ કપ લેવા, તેમાં અંદર તેલ લગાવી [ ગ્રીઝ કરી ] તૈયાર કરેલ મિશ્રણ બન્ને કપમાં અડધે સુધી રેડવું, હવે તેને માઇક્રોવેવના ફૂલ પાવરમાં અઢી મિનીટ માટે બેક કરવી, ત્યારબાદ તેમાં ચપ્પુની ધાર ખોસી ચેક કરવી, જો ચપ્પુ કોરું રહે તો કેક તૈયાર, કાચી રહે તો 30 સેકન્ડ ફરી માઈક્રો કરી લેવી, હવે બંને કેકનો કપ બહાર નીકળી ગયેલ ભાગ કાપવો અને કપ ઉંધા કરી કેક એક ડીશમાં તેને કાઢવી, એક વાસણમાં બટર લઇ તે સ્મૂથ થાય તેમ ફીણીને તેમાં ખાંડનો પાઉડર અને કોર્નફલોર નાખી ફીણી લેવું, તેને કપ કેક પર બટર નાઇફ અથવા ચપ્પુ વડે લગાડવું, કેકને કલાક ફ્રીઝમાં રાખવી, ત્યારબાદતેને સરખા ભાગે સ્લાઈસ પડે તેમ કટ કરવી, 2 કપમાંથી 8 સ્લાઈસ થશે, હવે 4 સ્લાઈસને હાર્ટ શેપના કુકી કટર વડે કટ કરી તેના બહારના ભાગને બીજી 4 સ્લાઈસ પર ગોઠવી વચ્ચે સ્ટ્રોબેરી ક્રશ ભરવું, કલાક ફ્રીઝમાં રાખી તમારા વેલેન્ટાઈનને પીરસવી।
શુક્રવાર, 5 ફેબ્રુઆરી, 2016
ચીલી મોમોસ : CHILLY MOMOS
ચીલી મોમોસ :
છીણેલ કોબીજ : 1 નંગ
છીણેલ ડુંગળી : 2 નંગ + 1 નંગ મોટી ત્રિકોણ કાપવી
છીણેલ આદું : 2"ઈંચનો ટુકડો
મીઠું : સ્વાદાનુસાર
મરી પાઉડર : 1/2 ચમચી
તેલ : તળવા માટે + વઘાર માટે +મોમોઝ માટે
લસણ : 10 નંગ, કટકી કરવી
લીલા મરચા : 6 નંગ, વચ્ચેથી કાપવા
મોમો રેડ ચટણી : 12 ચમચી
લાલ મરચાની પેસ્ટ : 1 ચમચી
વિનેગર : 1/4 ચમચી
સોયા સોસ : 2 થી 3 ટીપા
ટોમેટો કેચપ : 6 ચમચી
ખાંડ : 1ચમચી
આજીનો મોટો [ એમ, એસ, જી] : 1ચપટી
સમારેલ કોથમીર : જરૂર પ્રમાણે
મેંદાનો લોટ : 200 ગ્રામ
પાણી : જરૂર પ્રમાણે
રીત
સૌ પ્રથમ મેંદાનો લોટ બાંધવા માટે એક વાસણમાં મેંદો લઇ ,મીઠું નાખી , ધીમે ધીમે પાણી નાખતા જવું, અને લોટ ભેગો કરતા જવું, આ રીતે નરમ લોટ બાંધવો, 1 ચમચી તેલ નાખી તેને મસળી લેવો, આ લોટને અડધો કલાક ઢાંકી રાખો, હવે મોમોસ નો મસાલો તૈયાર કરવા એક વાસણમાં છીણેલ કોબીજ, ડુંગળી અને આદુ લઇ તેને નીચોવી લઇ વધારાનું પાણી દુર કરવું, આ પાણીનો સૂપ બનાવવા ઉપયોગ કરી શકાય, ત્યારબાદ આ મસાલામાં મીઠું, મરી પાઉડર અને 2 ચમચી તેલ મિક્સ કરવું, હવે મેંદાના લોટના નાના લુવા તૈયાર કરવા, તેની પાતળી ગોળ પૂરી વણી તેમાં 1 ચમચી જેટલો મસાલો ભરવો, પુરીના અડધા ભાગની ચપટી પાડવી, અને અડધો ભાગ તેની સાથે દબાવી દેવો, અથવા ચાર બાજુ ભેગી કરી દબાવી ચતુષ્કોણ આકાર આપવો, બધા મોમોઝ તૈયાર કરી, તેને સ્ટીમરમાં 10 મિનીટ બાફવા, ત્યારબાદ તેલ ગરમ કરી તેમાં ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળવા, હવે એક બાઉલમાં મોમો રેડ ચટણી, લાલ મરચાની પેસ્ટ, વિનેગર, સોયાસોસ, કેચપ મિક્સ કરવું, ત્યારબાદ બે ચમચા તેલ ગરમ કરવું, તેમાં સમારેલ લીલા મરચા અને ત્રિકોણ કાપેલ ડુંગળી સાંતળી, મીઠું, અજીનો મોટો નાખીને તેમાં બાઉલમાં તૈયાર કરેલ સોસ નાખી, ખાંડ નાખી ઉકાળીને મોમોસ ઉમેરી બે મિનીટ બાદ ગેસ બંધ કરી કોથમીર વડે ગાર્નીશ કરવા।
રવિવાર, 27 ડિસેમ્બર, 2015
બાજરીના રોટલા : Bajarina Rotla
બાજરીના રોટલા :
સામગ્રી :
બાજરીનો લોટ : 2 કપ
પાણી : 3/4 કપ
મીઠું : સ્વાદાનુસાર
ઘી : ઈચ્છા પ્રમાણે
રીત :
સૌ પ્રથમ બાજરીના લોટને એક વાસણમાં ચાળી લેવો, હવે તેમાં મીઠું નાખીને ધીમે ધીમે પાણી નાખતા જઈને લોટ બાંધવો, હવે આ લોટને હથેળી વડે વજન આપતા જઈ પાંચેક મિનીટ મસળવો, ત્યારબાદ તેમાંથી સરખે ભાગે લુવા તૈયાર કરવા, મધ્યમ સાઈઝના ચાર લુવા તૈયાર થશે, હવે ગેસ પર માટીની તાવડી કે તવો ગરમ કરવા મુકવો, લુવાને બાજરીના લોટમાં રગદોળીને પાટલા પર રાખી એકદમ હળવે હાથે ભાખરીથી સહેજ જાડો રોટલો વેલણ વડે વણવો, ગરમ તાવડી પર મુકવો , એક બાજુ શેકાઈ એટલે તવેથા વડે રોટલો ઉખાડીને બીજી બાજુ શેકવો, ત્યારબાદ જે ભાગ કાચો હોય ત્યાજ ફેરવીને શેકી લઇ ઉતારવો, ફૂલકા રોટલી જેમ પણ રોટલાને ફુલાવી શેકી શકાય , બધા રોટલા તૈયાર કરી તેની પર ઘી લગાવી લેવું।
રવિવાર, 20 ડિસેમ્બર, 2015
નાન ખટાઈ - Naan khatai
નાન ખટાઈ :-
સામગ્રી :-
ઘી અથવા માખણ - 1/2 કપ
ખાંડનો પાઉડર - 1/2 કપ
મેંદો - 1/2 કપ
સુજી - 1/4 કપ
ચણાનો લોટ - 1/4 કપ
ઈલાયચી પાઉડર - 1 ચપટી [ પીંચ ]
બેકિંગ પાઉડર - 1/2 ચમચી
રીત :-
સૌ પ્રથમ એક વાસણમાં ઘી લેવું, જો માખણ લેવું હોય તો તે મીઠા વગરનું અને રૂમ ટેમ્પરેચર પર લાવી ઉપયોગમાં લેવું, હવે તેમાં ખાંડનો પાઉડર ઉમેરી ફીણવું, આ બન્નેનો કલર ચેન્જ થઈને એકદમ પ્લફી મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી ફીણવું, હવે મેંદો, સુજી,ચણાનો લોટ અને બેકિંગ પાઉડરને મિક્સ કરી એક વાસણમાં એકથી બે વાર ચાળી લેવા, હવે તેને ફીણેલ ઘી ખાંડના મિશ્રણમાં ધીમે ધીમે નાખતા જઈ શાથે ઈલાયચી પાઉડર ઉમેરી બધું ભેગું કરી રોટલીના લોટ જેમ બાંધી લેવું, જરૂર પડે તો એક ચમચી દહીં ઉમેરવું, હવે આ લોટને હવાચુસ્ત ડબામાં ભરી 10 મિનીટ માટે રેસ્ટ આપવો, ત્યારબાદ તેને થોડો મસળી લેવો, હવે બેકિંગ ટ્રેમાં થોડું ઘી લગાવવું, [ ગ્રીઝ કરવું ] અને લોટમાંથી એક એક ચમચી જેટલા લુવા લઇ ગોળા તૈયાર કરી ટ્રેમાં છુટ્ટા ગોઠવવા જેથી નાનખટાઈ ફૂલે ત્યારે તેનો આકાર ના બદલાય, હવે ઓવનને 180 સેન્ટીગ્રેડ પર પ્રી હીટ કરી અને આ જ તાપમાન પર 15 મિનીટ માટે નાન ખટાઈ બેક કરવી।
રવિવાર, 1 નવેમ્બર, 2015
હોટ એન્ડ સાર સૂપ - Hot and sour soup
હોટ એન્ડ સાર સૂપ :-
સામગ્રી :-
છીણેલ ડુંગળી - 1 નંગ
છીણેલ આદુ - 1 ઈંચનો ટુકડો
બારીક સમારેલ લસણની કળી - 5 થી 6 નંગ
છીણેલ કોબીજ - 1/4 નંગ
છીણેલ ગાજર - 1/2 નંગ
બારીક સમારેલ લીલી ડુંગળી - 1 નંગ
બારીક સમારેલ ફણસ - 3 નંગ
બારીક સમારેલ મશરૂમ - 1 નંગ
બારીક સમારેલ કેપ્સીકમ - 1/2 નંગ
તેલ - 2 ચમચા
કોર્નસ્ટાર્ચ - 1 ચમચો
સોયાસોસ - 2 ચમચા
રેડ અથવા ગ્રીન ચીલી સોસ - 2ચમચા
ખાંડ - 1/2 ચમચી
આજીનો મોટો - 1/4 ચમચી
વેજીટેબલ સ્ટોક અથવા પાણી - 5 કપ
વિનેગર - 2 ચમચા
સફેદ મરી પાઉડર - 1/2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
રીત :-
સૌ પ્રથમ એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં સમારેલ લસણ, છીણેલ આદુ અને ડુંગળી નાખી સાંતળવું, હવે તેમાં સોયાસોસ, મીઠું, આજીનો મોટો, છીણેલ ગાજર,બારીક સમારેલ લીલી ડુંગળી, ફણસ અને મશરૂમ નાખી ત્રણ મિનીટ સાંતળવું, હવે તેમાં વેજીટેબલ સ્ટોક નાખી હલાવી, છીણેલ કોબીજ, સમારેલ કેપ્સીકમ, ખાંડ અને ચીલીસોસ નાખવો, ત્યારબાદ કોર્નસ્ટાર્ચમાં બે ચમચા જેટલું પાણી ઉમેરી હલાવી સૂપમાં નાખવું, સૂપ હલાવતા જઈને થોડીવાર ઉકાળવું, થોડો કલર ચેન્જ લાગે એટલે વિનેગર નાખી, હલાવીને ગેસ બંધ કરવો, ગરમા ગરમ હોટ એન્ડ સાર સૂપની ની મજા માણવી।
શુક્રવાર, 30 ઑક્ટોબર, 2015
દહીં વડા - Dahivada
દહીં વડા :-
સામગ્રી :-
અડદની દાળ - 1 કપ
ફીણેલ ઠંડું દહીં - 2 કપ
છાશ અથવા પાણી - 2 કપ
તેલ - તળવા માટે
જીરૂં પાઉડર - 2 ચમચી
લાલ મરચા પાઉડર - 2 ચમચી
જીરૂં - 1 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હિંગ - 1/2 ચમચી
સંચળ - સ્વાદાનુસાર
આમલી ખજુરની ચટણી - 2 ચમચા
રીત :-
સૌ પ્રથમ અડદની દાળને ધોઈ અને ચાર કલાક પાણીમાં પલાળવી, ત્યારબાદ તેનું પાણી દુર કરી તેને મિક્સરમાં લઇ બે ચમચી જેટલું પાણી નાખી સ્મૂથ પેસ્ટ તૈયાર થાય તેમ પીસી લેવી, હવે આ પેસ્ટને એક વાસણમાં લઇ,તેમાં જીરું, મીઠું, સંચળ, હિંગ નાખી એકદમ હલાવી લેવી, હવે એક વાસણમાં તેલ લઇ તેને ધીમા તાપમાન પર ગરમ કરવું, તેલ થોડું ગરમ થાય એટલે ચમચીમાં પેસ્ટ લઇ બીજી ચમચીની મદદથી વડું તેલમાં નાખતા જવું, આ રીતે વડા તળવા માટે નાખવા, હવે ગેસ થોડો મધ્યમ તાપમાં કરવો, વડાને હલાવતા જઈને તેને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવા, હવે વડાને છાસમાં પાંચ થી સાત મિનીટ પલાળવા, ત્યારબાદ તેને ધીમેથી નીચોવી પીરસવાના વાટકામાં ગોઠવવા, ઠંડા દહીંમાં થોડું મીઠું નાખીને વડા પર ચમચી વડે જરૂર મુજબ રેળવું, ઉપર ખજુર આમલીની ચટણી રેળવી, ત્યારબાદ તેમાં લાલ મરચા પાઉડર અને જીરું પાઉડર ભભરાવી પીરસવા, ટેસ્ટી દહીંવડા તૈયાર। [ દહીંવડા પીરસવામાં લીલી ચટણી પણ નાખી શકાય ]
રવિવાર, 25 ઑક્ટોબર, 2015
મલાઈ કોફ્તા - Malai kofta
મલાઈ કોફ્તા :-
કોફ્તા માટેની સામગ્રી ;-
પનીર - 1 કપ
માવો - 1/2 કપ
કોર્નફ્લોર - 40 ગ્રામ
કાજૂ - 8 થી 10 નંગ
કિસમિસ - 1 ચમચો
ઈલાયચી - 2 નંગ , પાઉડર કરવો
મરી પાઉડર - 2 ચપટી
મીઠું - સ્વાદાનુસાર
તેલ - તળવા માટે
વ્હાઈટ ગ્રેવી માટેની સામગ્રી :-
તેલ - 2 ચમચા
કાજૂ - 50 ગ્રામ
મગજતરીના બી - 50 ગ્રામ
ફ્રેશ ક્રીમ - 1 કપ
દહીં - 1/2 કપ
સમારેલ કોથમીર - 2 થી 3 ચમચા
જીરું - 1/2 ચમચી
કાળા મરી - 5 થી 6 નંગ
લવિંગ - 2 નંગ
તજ - 1 ટુકડો
આદુની પેસ્ટ - 1/2 ચમચી
સમારેલ લીલા મરચા - 2 નંગ
ધાણા પાઉડર - 1/2 ચમચી
મીઠું -સ્વાદાનુસાર
લાલ મરચા પાઉડર - 1 ચમચી
બટર - 1 ચમચી
રીત :-
સૌ પ્રથમ 50 ગ્રામ કાજુ અને 50 ગ્રામ મગજતરીના બીને બે કલાક પાણીમાં પલાળી તેની પેસ્ટ તૈયાર કરી લેવી, હવે પનીર અને માવાને એક વાસણમાં છીણી લેવું, તેમાં અડધો કોર્નફલોર નાખીને તેને એકદમ મસળવું, હવે તેમાં મીઠું અને મરી પાઉડર નાખી તેને લોટની જેમ બાંધી લેવું, હવે કોફતા માં ભરવા માટે કાજુના ટુકડા કરી તેમાં કિસમિસ અને ઈલાયચી પાઉડર નાખવા, હવે બાંધેલ લોટમાંથી નાના લીંબુ જેટલો લુવો લઇ તેને ગોળ આકાર આપી તેમાં ખાડો કરી કાજૂ - કિસમિસ વાળો થોડો મસાલો ભરી કોફ્તું બંધ કરી,ગોળ કરીને કોર્નફલોરમાં રગદોળી લેવું, બધા કોફતા તૈયાર કરી તેને ધીમા તાપે તેલ ડૂબ નાખી ગોલ્ડન કલરના તળવા, તળતી વખતે કોફતાને બહુ હલાવવા નહી તેની ઉપર ગરમ તેલ રેડતા જઈ તળવા, હવે કોફતા વઘારવા માટે વ્હાઈટ ગ્રેવી તૈયાર કરવી આ માટે એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં જીરું શેકવું, મરી, તજ અને લવિંગને અધકચરા વાટીને વઘારમાં નાખી શેકવા, હવે આદુની પેસ્ટ અને સમારેલ લીલા મરચા નાખી હલાવી કાજૂ-મગજતરી ની તૈયાર કરેલ પેસ્ટ નાખવી તેને હલાવતા જઈ બે ત્રણ મિનીટ પકાવવી, તેલ ઉપર દેખાય એટલે ફ્રેશ ક્રીમ નાખી હલાવતા જવું તે થોડું પકાવી તેમાં દહી હલાવીને નાખવું, હલાવતા જવું જેથી ક્રીમ ફાંટે નહી, હવે ધાણા પાઉડર, લાલ મરચા પાઉડર અને થોડું પાણી નાખી ગ્રેવી હલાવતા જવી ગ્રેવી ઉપર તેલ દેખાય એટલે તેમાં મીઠું, ખાંડ,બટર અને થોડી કોથમીર નાખી તેને ધીમા તાપે બે મિનીટ હલાવી ગેસ બંધ કરવો, હવે પીરસતી વખતે જ ગ્રેવીમાં કોફતા ઉમેરવા, નાન કે પરોઠા સાથે પીરસવા।
બુધવાર, 7 ઑક્ટોબર, 2015
દાળ ઢોકળી Dal dhokari
દાળ ઢોકળી :-
ઢોકળી માટેની સામગ્રી :-
ઘઉંનો લોટ - 1/2 કપ
ચણાનો લોટ - 1 ચમચો
તેલ - 1 ચમચો
અજમો - 1/4 ચમચી
હળદર - 1/4 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
લાલ મરચા પાઉડર - 1/2 ચમચી
દાળ માટેની સામગ્રી :-
તુવેર દાળ - 1/2 કપ
કાચા સિંગદાણા - 2 ચમચા
પાણી - 2 કપ દાળ બાફવા + 4 કપ દાળ વઘારવા
બાકીની સામગ્રી ગુજરાતી દાળની લેવી
[ ગુજરાતી દાળની રેસીપી મુકેલ છે ]
રીત :-
સૌ પ્રથમ તુવેરદાળને ધોઈ અને અડધો કલાક પલાળવી, ત્યારબાદ તેનું પાણી દુર કરી તેને કુકરમાં લઇ તેમાં 2 કપ પાણી ,મીઠું, બે ચમચા કાચા સિંગદાણા નાખીને ત્રણ સીટી કરવી, હવા નેચરલી નીકળવા દેવી, હવે ઢોકળીનો લોટ બાંધવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, અજમો, મીઠું, હળદર, લાલ મરચા પાઉડર અને તેલ આ બધું લઇ થોડા પાણી વડે કઠણ લોટ બાંધવો, તેને ઢાંકીને રાખવો, હવે દાળને બ્લેન્ડ કરી તેમાં 4 કપ પાણી નાખી તેને વધારવી, દાળ થોડી ઉકળે એટલે ગેસ ધીમો કરી, ઢોકળીના લોટમાંથી લુવા કરી, તેની પર તેલ લગાવી પાતળી રોટલી તૈયાર કરવી, તેમાંથી ડાયમંડ શેપ ઢોકળી કટ કરી, તેને દાળમાં નાખવી, તેને ઉકાળીને પાકવા દેવી, થોડા સમયે હલાવવી, આ રીતે 20 થી 25 મિનીટમાં ઢોકળી પાકી જશે એટલે ગેસ બંધ કરી લીંબુનો રસ નાખવો, તેને સમારેલ કોથમીર અને ઉપર થોડું તેલ કે ઘી રેળી ભાત સાથે પીરસવી। તે ખુબજ ટેસ્ટી લાગે છે.