શુક્રવાર, 30 ઑક્ટોબર, 2015

દહીં વડા - Dahivada


દહીં વડા :-

સામગ્રી :-
અડદની દાળ - 1 કપ
ફીણેલ ઠંડું દહીં - 2 કપ
છાશ અથવા પાણી - 2 કપ
તેલ - તળવા માટે
જીરૂં પાઉડર - 2 ચમચી
લાલ મરચા પાઉડર - 2 ચમચી
જીરૂં - 1 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હિંગ - 1/2 ચમચી
સંચળ - સ્વાદાનુસાર
આમલી ખજુરની ચટણી - 2 ચમચા

રીત :-
               સૌ પ્રથમ અડદની દાળને ધોઈ અને ચાર કલાક પાણીમાં પલાળવી, ત્યારબાદ તેનું પાણી દુર કરી તેને મિક્સરમાં લઇ બે ચમચી જેટલું પાણી નાખી સ્મૂથ પેસ્ટ તૈયાર થાય તેમ પીસી લેવી, હવે આ પેસ્ટને એક વાસણમાં લઇ,તેમાં જીરું, મીઠું, સંચળ, હિંગ નાખી એકદમ હલાવી લેવી, હવે એક વાસણમાં તેલ લઇ તેને ધીમા તાપમાન પર ગરમ કરવું, તેલ થોડું ગરમ થાય એટલે ચમચીમાં પેસ્ટ લઇ બીજી ચમચીની મદદથી વડું તેલમાં નાખતા જવું, આ રીતે  વડા  તળવા માટે નાખવા, હવે ગેસ થોડો મધ્યમ તાપમાં કરવો, વડાને હલાવતા જઈને તેને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવા, હવે વડાને છાસમાં પાંચ થી સાત મિનીટ પલાળવા, ત્યારબાદ તેને ધીમેથી નીચોવી પીરસવાના વાટકામાં ગોઠવવા, ઠંડા દહીંમાં થોડું મીઠું નાખીને વડા પર ચમચી વડે જરૂર મુજબ રેળવું, ઉપર ખજુર આમલીની ચટણી રેળવી, ત્યારબાદ તેમાં  લાલ મરચા પાઉડર અને જીરું પાઉડર ભભરાવી પીરસવા, ટેસ્ટી દહીંવડા તૈયાર। [ દહીંવડા પીરસવામાં   લીલી ચટણી પણ નાખી શકાય ]


Share:

રવિવાર, 25 ઑક્ટોબર, 2015

મલાઈ કોફ્તા - Malai kofta

                                                  

મલાઈ કોફ્તા :-

કોફ્તા માટેની સામગ્રી ;-
પનીર - 1 કપ
માવો - 1/2 કપ
કોર્નફ્લોર - 40 ગ્રામ
કાજૂ - 8 થી 10 નંગ
કિસમિસ - 1 ચમચો
ઈલાયચી - 2 નંગ , પાઉડર કરવો
મરી પાઉડર - 2 ચપટી
મીઠું - સ્વાદાનુસાર
તેલ - તળવા માટે

વ્હાઈટ ગ્રેવી માટેની સામગ્રી :-
તેલ - 2 ચમચા
કાજૂ - 50 ગ્રામ 
મગજતરીના બી - 50 ગ્રામ
ફ્રેશ ક્રીમ - 1 કપ
દહીં - 1/2 કપ
સમારેલ કોથમીર - 2 થી 3 ચમચા
જીરું - 1/2 ચમચી
કાળા મરી - 5 થી 6 નંગ
લવિંગ - 2 નંગ
તજ - 1 ટુકડો
આદુની પેસ્ટ - 1/2 ચમચી
સમારેલ લીલા મરચા - 2 નંગ
ધાણા પાઉડર - 1/2 ચમચી
મીઠું -સ્વાદાનુસાર
લાલ મરચા પાઉડર - 1 ચમચી
બટર - 1 ચમચી

રીત :-
         સૌ પ્રથમ 50 ગ્રામ  કાજુ અને 50 ગ્રામ મગજતરીના બીને બે કલાક પાણીમાં પલાળી તેની પેસ્ટ તૈયાર કરી લેવી, હવે પનીર અને માવાને એક વાસણમાં છીણી લેવું, તેમાં અડધો કોર્નફલોર નાખીને તેને એકદમ મસળવું, હવે તેમાં મીઠું અને મરી પાઉડર નાખી તેને લોટની જેમ બાંધી લેવું, હવે કોફતા માં ભરવા માટે કાજુના ટુકડા કરી તેમાં કિસમિસ અને ઈલાયચી પાઉડર નાખવા, હવે બાંધેલ લોટમાંથી નાના લીંબુ જેટલો લુવો લઇ તેને ગોળ આકાર આપી તેમાં ખાડો કરી કાજૂ - કિસમિસ વાળો થોડો મસાલો ભરી કોફ્તું બંધ કરી,ગોળ કરીને કોર્નફલોરમાં રગદોળી લેવું, બધા કોફતા તૈયાર કરી તેને ધીમા તાપે તેલ ડૂબ નાખી ગોલ્ડન કલરના તળવા, તળતી વખતે કોફતાને બહુ હલાવવા નહી તેની ઉપર ગરમ તેલ રેડતા જઈ તળવા, હવે કોફતા વઘારવા માટે વ્હાઈટ ગ્રેવી તૈયાર કરવી આ માટે એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં જીરું શેકવું, મરી, તજ અને લવિંગને અધકચરા વાટીને વઘારમાં નાખી શેકવા, હવે આદુની પેસ્ટ અને સમારેલ લીલા મરચા નાખી હલાવી કાજૂ-મગજતરી ની તૈયાર કરેલ પેસ્ટ નાખવી તેને હલાવતા જઈ બે ત્રણ મિનીટ પકાવવી, તેલ ઉપર દેખાય એટલે ફ્રેશ ક્રીમ નાખી હલાવતા જવું તે થોડું પકાવી તેમાં દહી હલાવીને નાખવું, હલાવતા જવું જેથી ક્રીમ ફાંટે નહી, હવે ધાણા પાઉડર, લાલ મરચા પાઉડર અને થોડું પાણી નાખી ગ્રેવી હલાવતા જવી ગ્રેવી ઉપર તેલ દેખાય એટલે તેમાં મીઠું, ખાંડ,બટર  અને થોડી કોથમીર નાખી તેને ધીમા તાપે બે મિનીટ હલાવી ગેસ બંધ કરવો, હવે પીરસતી વખતે જ ગ્રેવીમાં કોફતા ઉમેરવા, નાન કે પરોઠા સાથે પીરસવા।
Share:

બુધવાર, 7 ઑક્ટોબર, 2015

દાળ ઢોકળી Dal dhokari


દાળ ઢોકળી :-

ઢોકળી માટેની સામગ્રી :-
ઘઉંનો લોટ - 1/2 કપ
ચણાનો લોટ - 1 ચમચો
તેલ - 1 ચમચો
અજમો - 1/4 ચમચી
હળદર - 1/4 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
લાલ મરચા પાઉડર - 1/2 ચમચી

દાળ માટેની સામગ્રી :-
તુવેર દાળ - 1/2 કપ
કાચા સિંગદાણા - 2 ચમચા
પાણી - 2 કપ દાળ બાફવા + 4 કપ દાળ વઘારવા 
બાકીની સામગ્રી ગુજરાતી દાળની લેવી
[ ગુજરાતી દાળની રેસીપી મુકેલ છે ]

રીત :-
        સૌ પ્રથમ તુવેરદાળને ધોઈ અને અડધો કલાક પલાળવી, ત્યારબાદ તેનું પાણી દુર કરી તેને કુકરમાં લઇ તેમાં 2 કપ પાણી ,મીઠું, બે ચમચા કાચા સિંગદાણા નાખીને ત્રણ સીટી કરવી, હવા નેચરલી નીકળવા દેવી, હવે ઢોકળીનો લોટ બાંધવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, અજમો, મીઠું, હળદર, લાલ મરચા પાઉડર અને તેલ આ બધું લઇ થોડા પાણી વડે કઠણ લોટ બાંધવો, તેને ઢાંકીને રાખવો, હવે દાળને બ્લેન્ડ કરી તેમાં 4 કપ પાણી નાખી તેને વધારવી, દાળ થોડી ઉકળે એટલે ગેસ ધીમો કરી, ઢોકળીના લોટમાંથી લુવા કરી, તેની પર તેલ લગાવી પાતળી રોટલી તૈયાર કરવી, તેમાંથી ડાયમંડ શેપ ઢોકળી કટ કરી, તેને દાળમાં નાખવી, તેને ઉકાળીને પાકવા દેવી, થોડા સમયે હલાવવી, આ રીતે 20 થી 25 મિનીટમાં ઢોકળી પાકી જશે એટલે ગેસ બંધ કરી લીંબુનો રસ નાખવો, તેને સમારેલ કોથમીર અને ઉપર થોડું તેલ કે ઘી રેળી ભાત સાથે પીરસવી।  તે ખુબજ ટેસ્ટી લાગે છે.





Share:

સોમવાર, 5 ઑક્ટોબર, 2015

ગુજરાતી કરી - Gujarati curry


ગુજરાતી કરી [ કઢી ] :-

સામગ્રી :-
ખાટુ દહીં - 1 કપ
ચણાનો લોટ - 3 ચમચા
પાણી - 2, 1/2 કપ
આદુ લીલા મરચાની પેસ્ટ - 1 ચમચી
મીઠો લીમડો - 7 થી  8 પાન
કોથમીર - 1/2 ઝૂળી, સમારી લેવી
તેલ - 2 ચમચી
ઘી - 1 ચમચી
લાલ સુકું મરચું - 1 નંગ
તજ - 1 ટુકડો
લવિંગ - 4 નંગ
મેથી દાણા - 1/4 ચમચી
રાઈ - 1/2 ચમચી
જીરું - 1/2 ચમચી
હિંગ - 1 ચપટી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1 ચપટી
ખાંડ - 1 ચમચી અથવા સ્વાદ પ્રમાણે

રીત :-
          સૌ પ્રથમ એક વાસણમાં દહીં લઇ તેમાં ચણાનો લોટ , હળદર, મીઠું અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી તેને સારી રીતે હલાવી અથવા બ્લેન્ડ કરી લોટના ગઠ્ઠા દુર કરવા, હવે એક વાસણમાં તેલ અને ઘી ગરમ કરવું, તેમાં રાઈ તતડાવી જીરું અને મેથી દાણા શેકવા, હવે તેમાં લીમડાના પાન અને હિંગ નાખી હલાવી અને દહી વાળુ મિશ્રણ ઉમેરવું, પાણી નાખવું અને હલાવતા જઈ કરી ઉકાળવી, ખાંડ નાખવી આઠેક મિનીટ આ રીતે ફાસ્ટ ગેસ પર કરી હલાવતા જઈ ઉકાળવી, છેલ્લે સમારેલ કોથમીર નાખી ગેસ બંધ કરવો, ગરમા ગરમ જ ખીચડી અથવા ભાત સાથે પીરસવી।  [ કરીમાં દહી ના સ્થાને ખાટી છાસ પણ વાપરી શકાય, ખાટી છાસ લેવી હોય તો 3 કપ લેવી, પાણી નાખવું નહિ.]
       




Share:

શનિવાર, 3 ઑક્ટોબર, 2015

ઉત્તપમ - Uttapam


ઉત્તપમ :-

સામગ્રી :-
ઢોસાનું ખીરૂ - 500 ગ્રામ
ટમેટા - 2 નંગ , મધ્યમ
ડુંગળી - 2 નંગ , મધ્યમ
તેલ - જરૂર પ્રમાણે
કોથમીર - 1/2 ઝૂળી
ગરમ મસાલો - 2 ચમચી
મીઠું - જરૂર પ્રમાણે

રીત :-
       સૌ પ્રથમ ડુંગળી, ટમેટા અને કોથમીરને ઝીણા સમારી લેવા, ત્યારબાદ ઢોસાનું ખીરૂમાં મીઠું ઉમેરી હલાવી લેવું, હવે એક નોનસ્ટીક તવો ધીમા તાપે ગરમ કરવો, સહેજ તેલ લગાવી ખીરું નાખીને બહુ પાતળો ના રહે તેમ આશરે છએક ઇંચ જેટલો ઉત્તપમ ફેલાવવો, ત્યારબાદ તેની પર સમારેલ ટમેટા, ડુંગળી અને કોથમીરને ઈચ્છા મુજબ ભભરાવવા, બે ચપટી જેટલો ગરમ મસાલો છાંટવો, તેની પર સહેજ દબાણ આપવું, હવે ગેસ થોડો ફાસ્ટ કરવો, ઉપર થોડું તેલ નાખવું, ગોલ્ડન કલરનો થાય એટલે બીજી બાજુ ફેરવવો, તેને પણ ગોલ્ડન કલરનો શેકવો, બીજો ઉત્તપમ ફેલાવતા પહેલા ગેસ ધીમો કરી, તવા પર  પાણી છાંટી, કપડું ફેરવી થોડો ઠંડો કરવો, આ રીતે બધા ઉત્તપમ બનાવવા, તેને ચટણી, સાંભર કે ટોમેટો કેચપ સાથે પણ પીરસી શકાય।
Share:

શુક્રવાર, 2 ઑક્ટોબર, 2015

ફૂલવડી - Fulvadi


ફૂલવડી :-

સામગ્રી :-
ચણાનો જાડો [ કરકરો ] લોટ - 100 ગ્રામ
દહીં - 50 ગ્રામ
આખા ધાણા - 1/2 ચમચી
આખા મરી - 10 નંગ
વરીયાળી - 1/2 ચમચી
તલ - 1/2 ચમચી
તેલ - 3 ચમચા + તળવા માટે
ખાંડ - 2 ચમચી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 2 ચપટી
લાલ મરચા પાઉડર - 1 ચમચી
ગરમ મસાલો - 1/2 ચમચી
ખાવાનો સોડા - 1 ચપટી

રીત :-
     સૌ પ્રથમ ફૂલવડીનો લોટ બાંધવો, આ માટે એક વાસણમાં ચણાનો જાડો લોટ, મીઠું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ખાંડ, આખા ધાણા, આખા મરી, વરીયાળી, તલ, ખાવાનો સોડા અને  તેલ લેવું , હવે આ બધું સારી રીતે મિક્સ કરી દહીં વડે લોટ બાંધવો, તેને બે કલાક માટે ઢાંકીને રાખી દેવો, ત્યારબાદ ફૂલવડી તળવા માટે તેલ ગરમ કરવું, તેલ થોડું ગરમ થાય એટલે બાંધેલ લોટમાં બે ચમચી ઉમેરી લોટ મસળવો, હવે મોટા કાણાવાળો એક જારો લઇ તેની પર તેલ લગાડવું, જેથી લોટ જારાને બહુ ચોંટે નહી, હવે લોટ જારા પર લઇ, તેને અંદર થી બહાર તરફ ઘસવો, જેથી તેલમાં ફૂલવડી પડતી જશે, તેને ગોલ્ડન બ્રાઉન તળી લેવી, આ ફૂલવડીને તીખા, મીઠા દહીં સાથે ખાઈ શકાય, નાસ્તા તરીકે પણ ખાઈ શકાય, તે ખુબ સ્વાદિષ્ટ લાગે છે.


Share:

ગુરુવાર, 1 ઑક્ટોબર, 2015

રગડા - Ragdo


રગડા :-

સામગ્રી :-
સૂકા વટાણા - 1 કપ
ડુંગળી - 2 નંગ
ટમેટા - 3 થી 4 નંગ
લીલું મરચું - 1 નંગ
કોથમીર - 1/2 ઝૂળી
આદુ લસણની પેસ્ટ - 1 ચમચી
તેલ - 3 થી 4 ચમચા
મીઠું - સ્વાદાનુસાર
લાલ મરચા પાઉડર - 1 ચમચી
હળદર - 1/2 ચમચી
ગરમ મસાલા - 1/2 ચમચી

રીત :-
            સૌ પ્રથમ સૂકા વટાણાને ધોઈ અને આખી રાત પલાળવા, ત્યારબાદ તેમાં મીઠું, ચપટી હળદર અને જરૂર પ્રમાણે પાણી નાખી કુકરમાં બાફવા,  ડુંગળી, લીલું મરચું, કોથમીર અને ટમેટાને ઝીણા સમારી લેવા, ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં આદુ લસણની પેસ્ટ નાખવી, તેને હલાવીને સમારેલ ડુંગળી નાખવી, તેમાં મીઠું, લાલ મરચા પાઉડર, ગરમ મસાલો, હળદર આ બધા મસાલા ઉમેરી ડુંગળી સાથે જ હલાવતા જઈ ડુંગળી સાંતળવી, હવે તેમાં સમારેલ મરચા અને ટમેટા ઉમેરવા, તેને હલાવતા જઈ બે મિનીટ પકાવવા, ત્યારબાદ તેમાં બાફેલ વટાણા અને થોડો ઘટ્ટ રસો રહે તેટલું પાણી ઉમેરવું, વાસણ ઢાંકીને બે થી ત્રણ મિનીટ પકાવવું, ત્યારબાદ ગેસ બંધ કરી સમારેલ કોથમીર વડે ગાર્નીશ કરવું, રગડો તૈયાર, તેને ગરમા ગરમ જ પેટીસ સાથે અથવા પાઉં કે રોટલી સાથે પીરસવો।
Share:

Recent Posts

Unordered List

Pages

Theme Support