ગુરુવાર, 25 જૂન, 2015

સક્કરપારા - Sakkarpara

સક્કરપારા :-

સામગ્રી :-
પાણી - 125 મિલી
તેલ - 125 મિલી  + તળવા માટે
મીઠું - સ્વાદાનુસાર
ખાંડ - 1/2 કપ
મેંદો - 300 ગ્રામ
ઘી - 5 થી 6 ચમચી

રીત :-
         સૌ પ્રથમ એક વાસણમાં પાણી, ખાંડ, મીઠું અને તેલ મિક્સ કરી તેને ગેસ ઉપર ગરમ કરવું, મિશ્રણ હલાવવું, ખાંડ પાણીમાં ઓગળી જાય અને પાણીમાં ઉભરો આવવા લાગે ત્યાં સુધી તેને ગરમ કરવું, ગેસ બંધ કરી આ પાણી ઠંડુ થવા દેવું, હવે એક વાસણમાં મેંદો ચાળી લેવો અને  તૈયાર કરેલા પાણીને ધીમે ધીમે તેમાં નાખતા જઈ કઠણ લોટ બાંધી લેવો, આ લોટને 15 મિનીટ ઢાંકી રાખવો, ત્યારબાદ તેમાંથી નાની રોટલી વણી શકાય તેવા એકસરખા માપના લુવા તૈયાર કરી લેવા, તેમાંથી બે નાની રોટલી વણી લેવી, એક રોટલી પાટલા પર ગોઠવી ઉપર એક ચમચી ઘી લગાવી બીજી રોટલી તેની પર રાખી થોડી દબાવી ફરી વણી લેવી, હવે તેને ચપ્પુ અથવા પેસ્ટ્રીકટર વડે સક્કરપારાના આકારમાં [ ડાયમંડ શેપમાં ] કટ કરી લેવી , આ રીતે બધા સક્કરપારા તૈયાર કરવા  , ત્યારબાદ એક વાસણમાં મધ્યમ તાપ પર તેલ ગરમ કરવું, તેલ થોડું ગરમ થાય એટલે સક્કરપારા ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવા।



     

          






Share:

બુધવાર, 17 જૂન, 2015

બટાકાવડા - Batakavada


બટાકાવડા :-

સામગ્રી :-
બટાકા - મધ્યમ કદના 6 નંગ
સમારેલ લીલા મરચા - 3 નંગ
લસણની પેસ્ટ - 1,1/2 ચમચી
છીણેલ આદુ - 1"ઇંચનો ટુકડો
લીંબુ - અડધું
ખાંડ - 1 ચમચી
સમારેલ કોથમીર - 1/2 ઝૂળી
મીઠું - સ્વાદાનુસાર
કાશ્મીરી લાલ મરચા પાઉડર- 1/2 ચમચી
હળદર - 1/4 ચમચી
ગરમ મસાલો - 1/4 ચમચી
ચણાનો લોટ - 1,1/2 કપ
ખાવાનો સોડા - 1/4 ચમચી
પાણી - જરૂર પ્રમાણે
તેલ - જરૂર પ્રમાણે

રીત :-
          સૌ પ્રથમ બટાકાને બાફી લેવા, વધુ પડતા બાફવા નહી કારણકે તેનાથી મસાલો ચીકણો થઇ જશે, ત્યારબાદ તેને ફોલીને હાથ વડે મસળી લેવા, વધુ પડતા મસળવા નહિ, હવે એક વાસણમાં ચણાનો લોટ લેવો, તેમાં મીઠું નાખીને થોડું થોડું પાણી નાખતા જઈ અને હલાવતા જઈ ગઠ્ઠા ના રહે એ રીતે એકદમ ઘટ્ટ અથવા પાતળું ના રહે તેવું ખીરું તૈયાર કરવું, ત્યારબાદ તેમાં ખાવાનો સોડા નાખી ફરી ખીરું હલાવી લેવું, તેને ઢાંકી દેવું, હવે બટાકાનો મસાલો વઘારવા માટે એક વાસણમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવું, તેમાં લસણની પેસ્ટ, આદુંની છીણ, સમારેલ લીલા મરચા નાખી એકાદ મિનીટ સાંતળવા, હવે તેમાં મસળેલા બટાકાનો માવો નાખવો, તેમાં હળદર, મીઠું, લાલ મરચા પાઉડર, ગરમ મસાલો, ખાંડ અને અડધું લીંબુનો રસ ઉમેરવો, તેને હલાવી ઉપર કોથમીર ભભરાવી ગેસ બંધ કરવો, મસાલો ઠંડો થાય એટલે તેમાંથી ગોળ વડા વાળી લેવા, હવે એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરવું, તેલ થોડું ગરમ થાય એટલે તેમથી બે ચમચી તેલ ચણાના લોટના ખીરામાં ઉમેરી ખીરું હલાવી લેવું જેથી વડા કરકરા થશે, હવે તેલ માપનું ગરમ થાય એટલે તૈયાર કરેલ વડાને ખીરામાં હળવા હાથે રગદોળી, હાથ વડે અથવા ચમચી વડે વડા તેલમાં ધીમેથી નાખવા, એક સાથે કડાઈમાં સમાય તેટલા વડા નાખી શકાય, તેને જારા વડે ફેરવતા જઈ ગોલ્ડન કલરના થાય તેમ તળી લેવા, ચટણી અથવા ટોમેટો કેચપ સાથે ગરમા ગરમ પીરસવા।
    


Share:

રવિવાર, 14 જૂન, 2015

રવા ઢોસા - RAVA DOSA

                                                       
           
રવા ઢોસા :-

સામગ્રી :-
બારીક રવો - 1/2 કપ
મેંદો - 1/4 કપ
ચોખાનો લોટ - 1/4 કપ
મીઠું - સ્વાદાનુસાર
જીરું - 1/2 ચમચી
હિંગ - 1 ચપટી
સમારેલ કોથમીર - 2 ચમચી
સમારેલ મરચા - 1 ચમચી અથવા સ્વાદાનુસાર
તેલ - 2 ચમચા જેટલું
પાણી - 2 કપ જેટલું

રીત :-
          સૌ પ્રથમ એક વાસણમાં બારીક રવો, મેંદો, ચોખાનો લોટ, મીઠું, જીરું, હિંગ બધું મિક્સ કરવું, હવે તેમાં ધીમે ધીમે પાણી નાખતા જઈ ગઠ્ઠા ના રહે એ રીતે હલાવતા જઈ પાતળું છાસ જેવું ખીરું તૈયાર કરવું, તેને અડધો કલાક ઢાંકીને રાખવું જેથી કરી રવો પાણી શોષી શકે, અડધા કલાક બાદ ખીરામાં સમારેલ મરચા અને કોથમીર ઉમેરવી, હવે ઢોસા તૈયાર કરવા એક ઢોસા બનાવવા માટેનો ફ્લેટ નોનસ્ટીક તવો મધ્યમ તાપમાં ગરમ કરવો, તેમાં થોડું પાણી છાંટી કોટનના કપડા વડે તવો લુછી લેવો ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું તેલ ફેલાવવું, હવે ચમચા વડે ખીરાને ચારે તરફ ફેલાય તેમ રેડવું તેવી રીતે જ ઢોસાને ગોળ અથવા ચોરસ આકાર આપવો, ખીરુ ઘટ્ટ ના હોવાથી આ ઢોસાને સહેલાઈથી આકાર આપી શકાય છે, હવે ઢોસાની નીચેની બાજુ બ્રાઉન કલરની થવા લાગે  અને તવીથા વડે સહેલાઇથી ઉખડે એટલે સાઈડ બદલાવવી એક ચમચી તેલ ફેલાવી બીજી બાજુ પણ ઢોસો શેકી લેવો, તેને વાળી પ્લેટમાં લઇ લેવો, આ રીતે બધા ઢોસા બનાવી લેવા, આ ઢોસા ઓછા સમયમાં તૈયાર થઇ જાય છે, તેને નાસ્તામાં પણ લઇ શકાય, અને ડીનરમાં પણ મસાલા ઢોસા બનાવીને લઇ શકાય।




Share:

બુધવાર, 10 જૂન, 2015

રસમ - RASAM


રસમ :-

સામગ્રી :-
પાણી - 3 કપ
સમારેલ ટમેટા - 1/2 કપ
સમારેલ લીલા મરચા - 1/4 કપ
સમારેલ ડુંગળી - 1/4 કપ 
લીમડાના પાન - 10 થી 12 નંગ
સમારેલ કોથમીર - 1 કપ
આમલીનું પાણી - 1/4 કપ
મીઠું - સ્વાદાનુસાર
ધાણા પાઉડર - 2 ચમચી
જીરા પાઉડર - 1ચમચી
મરી - 1/2 ચમચી
જીરું - 1 ચમચી
લસણ - 6 થી 7 કળી
બાફેલ દાળનું પાણી - 1/2 કપ
રાઈ - 1/2 ચમચી
હળદર - 1/4 ચમચી
હિંગ - 1 ચપટી
ખાંડ - 2 ચમચી
સુકાલાલ મરચા - 2 થી 3 નંગ
તેલ - 2 ચમચા

રીત :-
          સૌ પ્રથમ એક વાસણમાં પાણી, સમારેલ ટમેટા,સમારેલ લીલા મરચા, સમારેલ ડુંગળી, 1/2 કપ કોથમીર, આમલીનું પાણી, મીઠું, મીઠા લીમડાના 6 પાન, ધાણા પાઉડર અને જીરા પાઉડર લઇ તેને ઢાંકણ ઢાકી ગરમ કરવું, પાણી એકદમ ઉકળવા લાગે અને તેમાં નાખેલ સામગ્રી પાકીને સરસ સુગંધ આવે ત્યારબાદ તેમાં દાળનું પાણી ઉમેરવું, મરી, જીરું અને લસણની કળીને એક ખાંડળીમાં ખાંડી મસાલો તૈયાર કરવો, ત્યારબાદ વઘારીયા અથવા બીજા વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં રાઈ નાખવી તે તતડે એટલે લાલ મરચાના બે ભાગ કરી ઉમેરવા, હળદર, મીઠા  લીમડાના બાકીના પાન અને હિંગ નાખી હલાવી આ તડકાને રસમમાં ઉમેરવો છેલ્લે ખાંડ અને મરીનો મસાલો ઉમેરી, ઉપર સમારેલ કોથમીર નાખી, ઢાંકણ ઢાકી એકાદ મિનીટ બાદ ગેસ બંધ કરવો, ટેસ્ટી રસમ તૈયાર।




Share:

Recent Posts

Unordered List

Pages

Theme Support