ગુરુવાર, 25 જૂન, 2015

સક્કરપારા - Sakkarpara

સક્કરપારા :-

સામગ્રી :-
પાણી - 125 મિલી
તેલ - 125 મિલી  + તળવા માટે
મીઠું - સ્વાદાનુસાર
ખાંડ - 1/2 કપ
મેંદો - 300 ગ્રામ
ઘી - 5 થી 6 ચમચી

રીત :-
         સૌ પ્રથમ એક વાસણમાં પાણી, ખાંડ, મીઠું અને તેલ મિક્સ કરી તેને ગેસ ઉપર ગરમ કરવું, મિશ્રણ હલાવવું, ખાંડ પાણીમાં ઓગળી જાય અને પાણીમાં ઉભરો આવવા લાગે ત્યાં સુધી તેને ગરમ કરવું, ગેસ બંધ કરી આ પાણી ઠંડુ થવા દેવું, હવે એક વાસણમાં મેંદો ચાળી લેવો અને  તૈયાર કરેલા પાણીને ધીમે ધીમે તેમાં નાખતા જઈ કઠણ લોટ બાંધી લેવો, આ લોટને 15 મિનીટ ઢાંકી રાખવો, ત્યારબાદ તેમાંથી નાની રોટલી વણી શકાય તેવા એકસરખા માપના લુવા તૈયાર કરી લેવા, તેમાંથી બે નાની રોટલી વણી લેવી, એક રોટલી પાટલા પર ગોઠવી ઉપર એક ચમચી ઘી લગાવી બીજી રોટલી તેની પર રાખી થોડી દબાવી ફરી વણી લેવી, હવે તેને ચપ્પુ અથવા પેસ્ટ્રીકટર વડે સક્કરપારાના આકારમાં [ ડાયમંડ શેપમાં ] કટ કરી લેવી , આ રીતે બધા સક્કરપારા તૈયાર કરવા  , ત્યારબાદ એક વાસણમાં મધ્યમ તાપ પર તેલ ગરમ કરવું, તેલ થોડું ગરમ થાય એટલે સક્કરપારા ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવા।



     

          






Share:

બુધવાર, 17 જૂન, 2015

બટાકાવડા - Batakavada


બટાકાવડા :-

સામગ્રી :-
બટાકા - મધ્યમ કદના 6 નંગ
સમારેલ લીલા મરચા - 3 નંગ
લસણની પેસ્ટ - 1,1/2 ચમચી
છીણેલ આદુ - 1"ઇંચનો ટુકડો
લીંબુ - અડધું
ખાંડ - 1 ચમચી
સમારેલ કોથમીર - 1/2 ઝૂળી
મીઠું - સ્વાદાનુસાર
કાશ્મીરી લાલ મરચા પાઉડર- 1/2 ચમચી
હળદર - 1/4 ચમચી
ગરમ મસાલો - 1/4 ચમચી
ચણાનો લોટ - 1,1/2 કપ
ખાવાનો સોડા - 1/4 ચમચી
પાણી - જરૂર પ્રમાણે
તેલ - જરૂર પ્રમાણે

રીત :-
          સૌ પ્રથમ બટાકાને બાફી લેવા, વધુ પડતા બાફવા નહી કારણકે તેનાથી મસાલો ચીકણો થઇ જશે, ત્યારબાદ તેને ફોલીને હાથ વડે મસળી લેવા, વધુ પડતા મસળવા નહિ, હવે એક વાસણમાં ચણાનો લોટ લેવો, તેમાં મીઠું નાખીને થોડું થોડું પાણી નાખતા જઈ અને હલાવતા જઈ ગઠ્ઠા ના રહે એ રીતે એકદમ ઘટ્ટ અથવા પાતળું ના રહે તેવું ખીરું તૈયાર કરવું, ત્યારબાદ તેમાં ખાવાનો સોડા નાખી ફરી ખીરું હલાવી લેવું, તેને ઢાંકી દેવું, હવે બટાકાનો મસાલો વઘારવા માટે એક વાસણમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવું, તેમાં લસણની પેસ્ટ, આદુંની છીણ, સમારેલ લીલા મરચા નાખી એકાદ મિનીટ સાંતળવા, હવે તેમાં મસળેલા બટાકાનો માવો નાખવો, તેમાં હળદર, મીઠું, લાલ મરચા પાઉડર, ગરમ મસાલો, ખાંડ અને અડધું લીંબુનો રસ ઉમેરવો, તેને હલાવી ઉપર કોથમીર ભભરાવી ગેસ બંધ કરવો, મસાલો ઠંડો થાય એટલે તેમાંથી ગોળ વડા વાળી લેવા, હવે એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરવું, તેલ થોડું ગરમ થાય એટલે તેમથી બે ચમચી તેલ ચણાના લોટના ખીરામાં ઉમેરી ખીરું હલાવી લેવું જેથી વડા કરકરા થશે, હવે તેલ માપનું ગરમ થાય એટલે તૈયાર કરેલ વડાને ખીરામાં હળવા હાથે રગદોળી, હાથ વડે અથવા ચમચી વડે વડા તેલમાં ધીમેથી નાખવા, એક સાથે કડાઈમાં સમાય તેટલા વડા નાખી શકાય, તેને જારા વડે ફેરવતા જઈ ગોલ્ડન કલરના થાય તેમ તળી લેવા, ચટણી અથવા ટોમેટો કેચપ સાથે ગરમા ગરમ પીરસવા।
    


Share:

રવિવાર, 14 જૂન, 2015

રવા ઢોસા - RAVA DOSA

                                                       
           
રવા ઢોસા :-

સામગ્રી :-
બારીક રવો - 1/2 કપ
મેંદો - 1/4 કપ
ચોખાનો લોટ - 1/4 કપ
મીઠું - સ્વાદાનુસાર
જીરું - 1/2 ચમચી
હિંગ - 1 ચપટી
સમારેલ કોથમીર - 2 ચમચી
સમારેલ મરચા - 1 ચમચી અથવા સ્વાદાનુસાર
તેલ - 2 ચમચા જેટલું
પાણી - 2 કપ જેટલું

રીત :-
          સૌ પ્રથમ એક વાસણમાં બારીક રવો, મેંદો, ચોખાનો લોટ, મીઠું, જીરું, હિંગ બધું મિક્સ કરવું, હવે તેમાં ધીમે ધીમે પાણી નાખતા જઈ ગઠ્ઠા ના રહે એ રીતે હલાવતા જઈ પાતળું છાસ જેવું ખીરું તૈયાર કરવું, તેને અડધો કલાક ઢાંકીને રાખવું જેથી કરી રવો પાણી શોષી શકે, અડધા કલાક બાદ ખીરામાં સમારેલ મરચા અને કોથમીર ઉમેરવી, હવે ઢોસા તૈયાર કરવા એક ઢોસા બનાવવા માટેનો ફ્લેટ નોનસ્ટીક તવો મધ્યમ તાપમાં ગરમ કરવો, તેમાં થોડું પાણી છાંટી કોટનના કપડા વડે તવો લુછી લેવો ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું તેલ ફેલાવવું, હવે ચમચા વડે ખીરાને ચારે તરફ ફેલાય તેમ રેડવું તેવી રીતે જ ઢોસાને ગોળ અથવા ચોરસ આકાર આપવો, ખીરુ ઘટ્ટ ના હોવાથી આ ઢોસાને સહેલાઈથી આકાર આપી શકાય છે, હવે ઢોસાની નીચેની બાજુ બ્રાઉન કલરની થવા લાગે  અને તવીથા વડે સહેલાઇથી ઉખડે એટલે સાઈડ બદલાવવી એક ચમચી તેલ ફેલાવી બીજી બાજુ પણ ઢોસો શેકી લેવો, તેને વાળી પ્લેટમાં લઇ લેવો, આ રીતે બધા ઢોસા બનાવી લેવા, આ ઢોસા ઓછા સમયમાં તૈયાર થઇ જાય છે, તેને નાસ્તામાં પણ લઇ શકાય, અને ડીનરમાં પણ મસાલા ઢોસા બનાવીને લઇ શકાય।




Share:

બુધવાર, 10 જૂન, 2015

રસમ - RASAM


રસમ :-

સામગ્રી :-
પાણી - 3 કપ
સમારેલ ટમેટા - 1/2 કપ
સમારેલ લીલા મરચા - 1/4 કપ
સમારેલ ડુંગળી - 1/4 કપ 
લીમડાના પાન - 10 થી 12 નંગ
સમારેલ કોથમીર - 1 કપ
આમલીનું પાણી - 1/4 કપ
મીઠું - સ્વાદાનુસાર
ધાણા પાઉડર - 2 ચમચી
જીરા પાઉડર - 1ચમચી
મરી - 1/2 ચમચી
જીરું - 1 ચમચી
લસણ - 6 થી 7 કળી
બાફેલ દાળનું પાણી - 1/2 કપ
રાઈ - 1/2 ચમચી
હળદર - 1/4 ચમચી
હિંગ - 1 ચપટી
ખાંડ - 2 ચમચી
સુકાલાલ મરચા - 2 થી 3 નંગ
તેલ - 2 ચમચા

રીત :-
          સૌ પ્રથમ એક વાસણમાં પાણી, સમારેલ ટમેટા,સમારેલ લીલા મરચા, સમારેલ ડુંગળી, 1/2 કપ કોથમીર, આમલીનું પાણી, મીઠું, મીઠા લીમડાના 6 પાન, ધાણા પાઉડર અને જીરા પાઉડર લઇ તેને ઢાંકણ ઢાકી ગરમ કરવું, પાણી એકદમ ઉકળવા લાગે અને તેમાં નાખેલ સામગ્રી પાકીને સરસ સુગંધ આવે ત્યારબાદ તેમાં દાળનું પાણી ઉમેરવું, મરી, જીરું અને લસણની કળીને એક ખાંડળીમાં ખાંડી મસાલો તૈયાર કરવો, ત્યારબાદ વઘારીયા અથવા બીજા વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં રાઈ નાખવી તે તતડે એટલે લાલ મરચાના બે ભાગ કરી ઉમેરવા, હળદર, મીઠા  લીમડાના બાકીના પાન અને હિંગ નાખી હલાવી આ તડકાને રસમમાં ઉમેરવો છેલ્લે ખાંડ અને મરીનો મસાલો ઉમેરી, ઉપર સમારેલ કોથમીર નાખી, ઢાંકણ ઢાકી એકાદ મિનીટ બાદ ગેસ બંધ કરવો, ટેસ્ટી રસમ તૈયાર।




Share:

શનિવાર, 23 મે, 2015

સ્વીટ કોર્ન સૂપ - SWEET CORN SOUP


સ્વીટ કોર્ન સૂપ : -

સામગ્રી :-
મકાઈ - 2 કપ
પાણી - 2 કપ
માખણ - 2 ચમચા
મેંદો - 3 ચમચા
દૂધ - 2 કપ
ખાંડ - 2 ચમચા
મરીનો ભૂકો - 1/4 ચમચી
ક્રીમ અથવા દુધની મલાઈ - 1/4 કપ
મીઠું - સ્વાદાનુસાર

રીત :-

          સૌ  પ્રથમ મકાઈના દાણામાં બે કપ પાણી નાખી તેને કુકરમાં બાફી લેવા, મકાઈ બફાઈ ગયા બાદ તેમાંથી 1/4 કપ બાફેલ દાણા અલગ કાઢી લેવા અને બાકીના દાણા ઠંડા પડે એટલે તેને મીક્ષરમાં પાણી સાથે જ વાટી લેવા, ત્યારબાદ તેને રસ ગાળવાની ગળણી વડે ગાળી જાડો પલ્પ તૈયાર કરવો, આ પલ્પમાં અલગ કાઢેલ મકાઈના બાફેલ દાણા ઉમેરી દેવા, હવે એક વાસણમાં ધીમાતાપે માખણ ગરમ કરવું, તેમાં મેંદો નાખી તેને બે મિનીટ શેકવો ત્યારબાદ તેમાં ધીમે ધીમે દૂધ નાખતા જવું અને હલાવતા જવું જેથી ગઠ્ઠા ના રહે, આ વ્હાઈટ સોસમાં મકાઈનો પલ્પ ઉમેરવો, હવે તેમાં મીઠું, ખાંડ અને મરીનો ભૂકો નાખવા , તેને બે મિનીટ ઉકાળવો ,ગેસ બંધ કરવો પીરસતી વખતે  ઉપર ક્રીમ નાખવું, સ્વીટ કોર્ન સૂપ તૈયાર।
 
Share:

સોમવાર, 18 મે, 2015

પનીર ટિક્કા - Paneer Tikka


પનીર ટિક્કા :-

પનીર - 400 ગ્રામ
દહીં - 1 કપ
કોર્નફ્લોર - 1,1/2 ચમચા
આદુ  લસણની પેસ્ટ - 2 ચમચી
હળદર - 1/4 ચમચી
તેલ - 1 ચમચો
ચાટ મસાલો - 1/2 ચમચી અને 1 ચપટી ઉપર છાંટવા
મીઠું - સ્વાદાનુસાર
કસૂરી મેથી - 1 ચમચો
લાલ મરચા પાઉડર - 1/2 ચમચી

રીત :-

           સૌ પ્રથમ પનીરના 1  ઇંચના ચોરસ ટુકડા કરવા, દહીં એકદમ ઘટ્ટ લેવું અથવા તેને મલમલના કપડામાં બાંધી અડધો કલાક લટકાવવું, અને ફેંટી લેવું હવે પનીર છોડીને બાકીની બધી સામગ્રી દહીંમાં ઉમેરવી,  ત્યારબાદ પનીરના ટુકડા તેમાં ઉમેરવા, અડધો કલાક અથવા પીરસવાના સમય સુધી પનીરને દહીંમાં પલાળેલ રાખવું, હવે એક નોનસ્ટીક બેકિંગ ટ્રે લેવી, તેની અંદર ચારેતરફ તેલ લગાડવું [ ગ્રીઝ કરવી ] પનીરના ટુકડા બેકિંગ  ટ્રેમાં ગોઠવી દેવા, હવે ટ્રેને ઓવનમાં  હાઈરેક પર રાખી 5મિનીટ ગ્રીલ કરવી ત્યારબાદ પનીરના ટુકડાને બીજી બાજુ ફેરવી 4 મિનીટ ગ્રીલ કરવા , જો પનીર ગોલ્ડન-બ્રાઉન કલરના થાય નહી તો ફરી બે મિનીટ ગ્રીલ કરવા, છેલ્લે ઉપર ચાટ મસાલો છાંટીને પીરસવા।

         
 
Share:

શનિવાર, 16 મે, 2015

સાંભાર - SAMBHAR


સાંભાર :-

સામગ્રી :-

તુવેરદાળ - 1/2 કપ
હળદર - 1/4 કપ
મીઠું - સ્વાદાનુસાર
હિંગ - 1 ચપટી
એમ,ટી ,આરનો સાંભાર મસાલો - 1,1/2 ચમચા
રાઈ - 1 ચમચી
મેથી - 1/4 ચમચી
સરગવાની સિંગ - 2 નંગ
આમલીની  પેસ્ટ - 2 ચમચી
સમારેલ કોથમીર - 2 ચમચા
મીઠો લીમડો  - 8 થી 10 પાન
તેલ - 2 ચમચા 
સુકા લાલમરચા - 2 થી 3 નંગ

રીત :-

                 સૌ પ્રથમ તુવેરદાળ ધોઈ અને તેને 30 મિનીટ માટે પલાળવી, ત્યારબાદ તેમાં થોડું મીઠું, હળદર અને 1,1/2 કપ પાણી નાખી બાફી લેવી , કુકરમાં બાફવા ત્રણ સીટી કરવી, હવે એક વાસણમાં આમલીની પેસ્ટ  લઇ તેમાં 2 કપ પાણી, સરગવાની સિંગના બે થી ત્રણ ઇંચના ટુકડા કરી તેમાં ઉમેરવા, ફરી થોડું મીઠું  અને હળદર નાખવી, સાંભાર મસાલો  ઉમેરવો, હવે આ વાસણને ગેસ પર મધ્યમ તાપ પર ગરમ કરવું ,ઢાંકણ ઢાંકી સિંગ બફાઈ જાય ત્યારબાદ તેમાં તુવેરદાળ બ્લેન્ડ કરી ઊમેરવી ફરી ઢાંકણ બંધ કરી ધીમાતાપે પાંચેક  મિનીટ આ બધું પકાવવું, હવે બીજા ગેસ પર એક વઘારિયું અથવા નાના વાસણમાં તેલ ગરમ કરવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ તતડાવવી તેમાં મેથી, હિંગ,લાલ મરચા, મીઠો લીમડો આ બધું શેકી આ તડકો  તૈયાર કરેલ સાંભાર પર રેડી તરત ઢાંકણ બંધ કરી એક મિનીટ તેમજ ઉકાળવું ત્યારબાદ ઢાંકણ ખોલી તેમાં સમારેલ કોથમીર ઉમેરી, હલાવીને ગેસ બંધ કરવો, મસ્ત સાંભાર તૈયાર।
 
Share:

ગુરુવાર, 9 એપ્રિલ, 2015

પનીર મખની - Paneer makhani

                                                                

પનીર મખની :-

સામગ્રી:-
પનીર ક્યુબ - 250 ગ્રામ
માખણ - 2 ચમચા
ડુંગળી - 2 નંગ, તેની પ્યુરી તૈયાર કરવી
ટમેટા - 2 નંગ, તેની પ્યુરી તૈયાર કરવી
આદું લસણની પેસ્ટ - 1 ચમચી
કાજુ - 1 ચમચા કાજુને થોડા દુધમાં 1 કલાક પલાળી પેસ્ટ તૈયાર કરવી
લવિંગ - 2 નંગ
તમાલપત્ર - 1 નંગ
તાજી મલાઈ [ફ્રેશ ક્રીમ ]  - 1/2 કપ
કસુર મેથી - 1 ચમચી
કોથમીર - 1 ચમચો સમારેલ
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
લાલ મરચું - 1 ચમચી
ધાણાજીરું પાઉડર - 2 ચમચી
ગરમ મસાલો - 1/2 ચમચી

રીત :-
         સૌ પહેલા એક વાસણમાં માખણ ગરમ કરવું , ત્યારબાદ તેમાં લવિંગ અને તમાલપત્ર શેકવું, હવે તેમાં ડુંગળીની પ્યુરી અને મીઠું નાખવું તેને હલાવતા જઈ, તેનું પાણી બળે તેમ 5 થી 6 મિનીટ સાંતળવી,હવે તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરવી, ત્યારબાદ તેમાં ટમેટાની પ્યુરી, બાકીના મસાલા અને કસૂરી મેથી નાખવી, હલાવી અને ઢાંકણ બંધ કરી 3 મિનીટ મધ્યમ તાપમાં પકાવવું, હવે ઢાંકણ ખોલી તેમાં થોડું પાણી અને કાજુની પેસ્ટ ઉમેરવી બે થી ત્રણ મિનીટ પકાવવું, ત્યારબાદ તેમાં ફ્રેશ ક્રીમ અને પનીર ક્યુબ [ પનીરના મોટા ચોરસ ટુકડા ] ઉમેરી બે મિનીટ પકાવી ગેસ બંધ કરવો, કોથમીર વડે સજાવવું, પનીર મખની તૈયાર, તેને નાન, રોટલી કે જીરા રાઇસ સાથે ખાઈ શકાય છે.


 
Share:

સોમવાર, 6 એપ્રિલ, 2015

વેજ હાકા નુડલ્સ - Veg Haka noodles

                                                                
                             
વેજ હાકા નુડલ્સ :-

સામગ્રી :-
કોબીજ - 1 કપ , લાંબી, પાતળી સમારેલ
ગાજર - 1 કપ લાંબુ, પાતળું સમારેલ
કેપ્સીકમ [ સિમલા મરચું ] - 1 નંગ , લાંબુ, પાતળું સમારેલ
ડુંગળી - 1/2 કપ, લાંબી, પાતળી સમારેલ
લીલી ડુંગળી - 1/4 કપ સમારેલ
વેજ હાકા નુડલ્સ - 150 ગ્રામ
તેલ - 3 ચમચા
ટોમેટો કેચપ - જરૂર મુજબ
ચાઉમીન મસાલો - 3 ચમચા જેટલો  [ ચિંગ્સના વેજ હાકા  નુડલ્સના પેકિંગ સાથે જ તેમાં જરૂર મુજબનો આ મસાલો અથવા બે પ્રકારના સોસ આવે છે, જેનો રેસિપીમાં ઉપયોગ કરવો ]
પાણી - જરૂર મુજબ

રીત :-
        સૌ પહેલા હાકા નુડલ્સ અધકચરા બાફ્વાના હોય છે, આ માટે એક મોટા,પહોળા વાસણમાં 10 કપ પાણી ઉકાળવું, પાણી એકદમ ઉકળવા લાગે ત્યારે તેમાં નુડલ્સના હાથેથી બે ભાગ કરી તેમાં ઉમેરવા, ચમચા વડે ધીમેથી હલાવી લેવું, હવે નુડલ્સને ફાસ્ટ ગેસ પર 3 મિનીટ માટે અધકચરા બાફી લેવા, ત્યારબાદ ગેસ બંધ કરી તેને મોટી ચાળણીમાં લઇ પાણી  દુર કરવું, ઉપર થોડું પાણી  રેડવું જેથી તે વધુ પોચા થાય નહી, હવે તરત તેને એક મોટી ડીશમાં લઇ છુટા કરવા અને ફરતે એક ચમચો તેલ રેડવું, જેથી તે ચોંટી જાય નહી, હવે ફરી એક મોટું,પહોળું વાસણ લઇ બાકીનું તેલ ગરમ કરવું, તેમાં સમારેલ કેપ્સીકમ, ડુંગળી, ગાજર, કોબીજ આ બધું નાખવું અને તેને ફાસ્ટ ગેસ પર ઉછાળતા જઈ 3 મિનીટ માટે સાંતળવું, હવે તેમાં નુડલ્સ સાથે આવેલ ચાઉમીન મસાલો ઉમેરવો, હલાવીને તેમાં અધકચરા બાફેલ નુડલ્સ ઉમેરવા, બે ચમચા અથવા સ્વાદાનુસાર  કેચપ ઉમેરવો અને ફરી તેને ઉછાળતા જઈ 3 મિનીટ માટે આ બધું સાંતળવું, હવે સમારેલ લીલી ડુંગળી ઉમેરી ફરી 1 મિનીટ  સાંતળવું, ગેસ બંધ કરવો, રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચાઇનીઝ હાકા નુડલ્સ તૈયાર.


Share:

શનિવાર, 4 એપ્રિલ, 2015

મફિન્સ - Muffins

                                                             

મફિન્સ:-

સામગ્રી :-
મેંદો - 100 ગ્રામ
કોકો પાઉડર - 60 ગ્રામ
બેકિંગ પાઉડર - 1/2 ચમચી
ખાવાનો સોડા - 1/2 ચમચી
કન્ડેન્સ મિલ્ક - 200 ગ્રામ
માખણ - 120 ગ્રામ
માવો - 120 ગ્રામ
દૂધ - 100 મિલી
ચોકલેટ ચિપ્સ - 1/2 કપ

રીત :-
         સૌ પ્રથમ એક વાસણમાં મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર અને ખાવાનો સોડા આ બધું સાથે લઇ ચાળી લેવું, હવે બીજા વાસણમાં માખણ અને ક્ન્ડેન્સ મિલ્કને એકદમ ફીણવું, ત્યારબાદ તેમાં માવો હાથ વડે મસળી છૂટો કરી મિક્સ કરવો અને ફરી ફીણવું, ફીણવાથી તે ક્રીમ જેવું દેખાશે, ત્યારબાદ તેમાં ચાળીને તૈયાર કરેલ લોટનું મિશ્રણ ધીમે નાખતા જવું અને ફીણતા જવું, અડધા ચોકલેટ ચિપ્સ ઉમેરી ફીણવું, હવે તેમાં દૂધ મિક્સ કરી ફરી ફીણવું, મફીન્સનું મિશ્રણ તૈયાર છે, હવે તેને બેક કરવા માટે મફીન્સ કપ વાળી સીલીકોન ટ્રે
લઇ તેના દરેક કપનો પોણો ભાગ આ મિશ્રણથી ભરી ઉપર બાકીના ચોકો ચિપ્સ ભભરાવવા, હવે ઓવનને 180 સેન્ટીગ્રેડ પર પ્રીહીટ કરી મફિન્સને 30 મિનીટ સુધી બેક કરવા, મફીન્સ તૈયાર.



Share:

Recent Posts

Unordered List

Pages

Theme Support