ગુરુવાર, 23 જાન્યુઆરી, 2014

મિલ્ક પાઉડરના ગુલાબજાંબુ - Gulab jamun with Milk powder


મિલ્ક પાઉડરના ગુલાબજાંબુ:

       ગુલાબજાંબુ એ ખુબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે, તે માવાની મદદથી બનાવી શકાય છે, પરંતુ બજારમાંથી મળતા માવામાં ક્યારેક ભેળસેળ કરેલ હોય છે અથવા તે બગડી ગયેલ પણ હોય છે, તો આજે આપણે મિલ્ક પાઉડરના ગુલાબજાંબુ બનાવીને ચિંતા મુક્ત થઇ જઈએ :

સામગ્રી:

મિલ્ક પાઉડર = 4 કપ
મેંદો = 1 કપ
ખાવાનો સોડા = ફક્ત 1 ચપટી
દહીં = જરૂર પ્રમાણે
તેલ = જરૂર પ્રમાણે
ખાંડ = 4 કપ
પાણી = 4 કપ
ઈલાયચી = 4 થી 5

બનાવવાની રીત:

       સૌ પ્રથમ એક વાસણમાં ખાંડ અને પાણી મિક્સ કરી તેને ગેસ પર હલાવતા જઈ ગરમ કરવું, આ પાણીમાં ખાંડ ઓગળી જાય પછી પાંચેક મિનીટ ચાસણી થવા દઈ ગેસ બંધ કરી તેમાં ઈલાયચી પાઉડર ઉમેરી દેવો. હવે એક બાઉલમાં મિલ્ક પાઉડર અને મેંદો મિક્સ કરવો, તેમાં ખાવાનો સોડા ઉમેરી અને થોડું થોડું દહીં નાખતા જઈ  જાંબુ વાળી શકાય તેવો નરમ લોટ બાંધવો, તેમાં 2 ચમચી તેલ નાખી લોટ ફરી મસળી  લેવો, હવે આ લોટમાંથી જાંબુના માપના એક સરખા લુવા પાડી, દરેક લુવાને અંગુઠા વડે નરમ કરી ગોળ ગોળ તૈયાર કરી લેવા, હવે એક વાસણમાં તેલ કાઢી તેને ગેસ પર મિડીયમ તાપે ગરમ કરવું, તેલનું તાપમાન  વધી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું, હવે 5 થી 6 જાંબુ તેલમાં નાખીં તેને ધીમે હાથે હલાવતા જઈ ગોલ્ડન બ્રાઉન તળી લેવા, ને તૈયાર કરેલ ચાસણીમાં ડુબાડી દેવા, આ રીતે બધા જાંબુ તળી તેને ચાસણીમાં ઉમેરવા, 30 મિનીટમાં ગુલાબજાંબુ સર્વ કરી ખાઈ શકાય છે.

Share:

મંગળવાર, 21 જાન્યુઆરી, 2014

મીઠી બુંદી - sweet bundi


મીઠી બુંદી:

      મીઠી બુંદી એ એક સ્વાદિષ્ટ મીઠાઈ છે, તેને ગરમ ગરમ ખાવાની તો બહુ મજા પડે છે, તો આજે આપણે
મીઠી બુંદી બનાવતા શીખીશું:

સામગ્રી:

ચણાનો લોટ = 2 કપ
ખાંડ = 3 કપ 
કેસર = 1 ચપટી
તેલ = તળવા માટે
ગુલાબની પાંદડી = ગાર્નીસ કરવા
પાણી = જરૂરિયાત પ્રમાણે

બનાવવાની રીત:

     સૌ પહેલા એક બાઉલમાં ચણાનો લોટ લેવો, હવે તેમાં ધીમે ધીમે પાણી નાખતા જઈ અને હલાવતા જઈ ચીકણું ખીરૂ તૈયાર કરવું, ખીરૂ બહુ ઘટ્ટ પણ ના હોવું જૌઇએ અને પાતળું પણ ના હોવું જોઈએ, ખીરાના બધા ગઠ્ઠા ભાંગી જાય ત્યાં સુધી તેને હલાવી લેવું, હવે એક વાસણમાં 3 કપ ખાંડ અને 2 કપ પાણી લઇ તેની ચાસણી તૈયાર કરવા ગેસ પર મૂકી હલાવતા જવું, ચાસણી  તૈયાર કરવા તેમાં તાર જોવાની જરૂર નથી, બસ ખાંડ ઓગળી જાય ને થોડી આંગળીમાં ચીપકે એવી ચાસણી થાય કે ગેસ બંધ કરી દેવો, હવે બીજા વાસણમાં તેલ લઇ તેને ગરમ કરવા ગેસ પર મુકવું, તેલ ગરમ થઇ જાય એટલે ખીરુને  ચમચા વડે બુંદી પાડી શકાય તેવો ઝારો લઇ તેમાં રેડવું અને અંગુઠા વડે ઝારાના હેન્ડલને ઠપકારતા જવું , બુંદી તેલમાં પડતી જશે, જો બુંદી પડતા થોડી વાર લાગે તો ખીરામાં થોડું પાણી ઉમેરી, ઝારો ધોઈને બુંદી પાડવી તો બુંદી પડવા લાગશે, આ બુંદીને ગોલ્ડન બ્રાઉન તળી લેવી અને તૈયાર ચાસણીમાં ઉમેરી દેવી, આ રીતે બધી બુંદી તળીને ચાસણીમાં ઉમેરી દેવી, 15 થી 20 મીનીટમાં મીઠી બુંદી તૈયાર થઇ જશે, તેને એક ડીશમાં કાઢી લઇ ગુલાબની પાંદડી વડે ગાર્નીશ કરી સર્વ કરવી  .


Share:

શુક્રવાર, 17 જાન્યુઆરી, 2014

ફરસી પુરી - Farasi Puri


ફરસી પુરી:             


     ફરસી પુરી એ ગુજરાતનો એક ટેસ્ટી નાસ્તો છે, તેને એક સાથે બનાવી શકાય છે અને અઠવાડિયા સુધીં ખાવામાં લઇ શકાય છે, તો આજે આપણે ફરસી પુરી બનાવવાની રીત શીખીશું.

સામગ્રી:

મેંદો = 250 ગ્રામ
મરી = 1/2 ચમચી અધકચરા વાટેલા
જીરું = 1 ચમચી
અજમો = 1/2 ચમચી
મીઠું = જરૂરિયાત મુજબ
તેલ =જરૂરિયાત મુજબ
પાણી = જરૂરિયાત મુજબ
ઘી = જરૂરિયાત મુજબ

બનાવવાની રીત:

      સૌ પ્રથમ મેંદો એક વાસણમાં ચાળી લેવો, તેમાં મીઠું, અજમો, વાટેલા મરી, જીરું ઉમેરવું ત્યારબાદ તેમાં
 5 ચમચી તેલ  ઉમેરીને ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ કઠણ લોટ તૈયાર કરવો , હવે આ લોટને 15 થી 20 મિનીટ ઢાંકી ને રાખવો. ત્યાર પછી તેમાંથી  રોટલી બને તેવા એકસરખા લુવા તૈયાર કરવા, હવે આ લુવા માંથી રોટલી વણવી, આ રોટલી ઉપર  એક ચમચી ઘી વ્યવસ્થિત રીતે લગાવવું, હવે આ રોટલીને વાળીને એક રોલ તૈયાર કરવો, આ રોલને ચપ્પુ વડે કટ કરી એકસરખા માપના પૂરી બને તેવા લુવા તૈયાર કરી લેવા. આ લુવાને હથેળી ઉપર ઉભા રાખી બીજી હથેળી વડે દબાવી દેવા, હવે પુરીઓ વણી લેવી,તેના પર ચપ્પુ વડે કાપા કરવા કે જેથી પુરી ફૂલે નહિ, પુરી તળવા માટે એક વાસણમાં ગેસ પર ધીમાં તાપે તેલ ગરમ કરવું, હવે ધીમા તાપે જ પૂરીને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લેવી, આવી રીતે બધી પૂરી તળી, તેને ઠંડી કરી,એક હવાચુસ્ત ડબામાં ભરી દેવી.

આ રેસીપી નો વિડીયો જોવા માટે અહી ક્લીક કરો http://www.youtube.com/watch?v=qpEGu0beGsI




Share:

બુધવાર, 15 જાન્યુઆરી, 2014

માઈક્રોવેવમાં ઈન્સ્ટન્ટ રવા ઈડલી - Instant Rava Idali in Microwave


માઈક્રોવેવમાં ઈન્સ્ટન્ટ રવા ઈડલી:

        ઈડલી એ દક્ષિણ ભારતની એક વાનગી છે, તેમાં તેલ, ઘી નો પણ બહુ ઉપયોગ થતો નથી,ગરમાગરમ
 ઈડલી અને સંભાર ખાવાની બહુ મજા આવે છે, એમાં પણ રવાની ઈડલી તો ઝડપથી બનાવી શકાય છે, અચાનક કોઈ મહેમાન આવી જાય તો રવા ઈડલી બનાવવી ખુબ સરળ છે. તો આજે આપણે રવા ઈડલી બનાવીશું

સામગ્રી:

રવો [ સોજી ] = 1 કપ
દહીં = 1/2 કપ
મીઠું = જરૂરિયાત મુજબ
ઈનો [ ફ્રુટ સોલ્ટ ] = 1 ચમચી
તેલ = 2 ચમચી
રાઈ = 1/2 ચમચી
જીરું = 1/2 ચમચી
હિંગ = 1 ચપટી
મીઠો લીમડો = 4 થી 5 પાન
સફેદ અડદ = 1 ચમચી
લીલા મરચા = 2 થીં 3 સમારેલા
પાણી = જરૂરિયાત પ્રમાણે


બનાવવાની રીત:

       સૌ પ્રથમ એક વાસણમાં રવો, દહીં, મીઠું મિક્સ કરવું તેમાં એક કપ પાણીને ધીમે ધીમે નાખતા જવું ને હલાવતા જઈ ખીરું  તૈયાર કરવું, ખીરામાં ગઠ્ઠા રહેવા ન દેવા, હવે  15 મિનીટ માટે ખીરું રાખી મુકવું, હવે ઈડલીનો વઘાર તૈયાર કરવા એક વાસણમાં તેલ ગરમ કરવા ગેસ પર મુકવું, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડાના પાન, અડદ, લીલા મરચા બધું નાખવું ને થોડીવાર પકાવવું, ઈડલીનો વઘાર તૈયાર છે. આ વઘારને તૈયાર કરેલ ખીરામાં ઉમેરી હલાવવું, ઈડલી સ્ટેન્ડમાં તેલ લગાવી તૈયાર રાખવું, માઈક્રો સેફ સ્ટીમરમાં એક ગ્લાસ જેટલું પાણી નાખી તૈયાર કરવું, હવે તૈયાર ખીરામાં ઈનો [ ફ્રુટ સોલ્ટ] નાખી તેની પર થોડું પાણી નાખી એકદમ હલાવવું, ને તરત જ ખીરું ઈડલી સ્ટેન્ડમાં ચમચા વડે રેડી, સ્ટીમર બંધ કરી માઇક્રોવેવના ફૂલ પાવરમાં 5 મિનીટ ટાઇમ સેટ કરી મુકવું, થોડો સ્ટેન્ડિંગ ટાઇમ આપી સ્ટીમર બહાર કાઢવું, ઈડલી ચમચી વડે એક ડીશમાં કાઢી સર્વ કરવી, ગરમાગરમ,ટેસ્ટી  રવા ઈડલી ખાવા માટે તૈયાર છે.

           

Share:

સોમવાર, 13 જાન્યુઆરી, 2014

Rasgulla - રસગુલ્લા : રસગુલ્લા એ એક બંગાળી મીઠાઈ છે


રસગુલ્લા:    


      રસગુલ્લા એ એક બંગાળી મીઠાઈ છે, પણ તે બધા  રાજ્યોમાં પ્રિય હોય જ છે, આપણે ત્યાં પણ તેનો પ્રસંગ વખતે ઉપયોગ થાય છે, તો રસગુલ્લાને પણ આપણા રસોડામાં સ્થાન આપીએ છીએ.

 સામગ્રી:

ફૂલ ક્રીમ દૂધ = દોઢ લીટર
ખાંડ = 500 ગ્રામ
લીંબુ = 2 નંગ
આરારુટ = 2 ચમચી
પાણી = 2 કપ

બનાવવાની રીત:

       રસગુલ્લા બનાવવા સૌ પ્રથમ દુધમાંથી પનીર બનાવવાનું હોય છે, આ માટે દુધને ગરમ કરવા મુકવું, તેમાં ઉભરો આવે એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી લેવું, હવે દૂધ થોડું ઠંડુ થાય એટલે તેને લીંબુના રસ વડે ફાડીશું,  આ માટે દુધમાં ધીમે ધીમે લીંબુનો રસ ઉમેરતા જવું અને હલાવતા જવું જયારે દૂધ ફાટવાનું શરુ થાય કે તરત લીંબુનો રસ નાખવાનું બંધ કરવું,  હવે તરત જ આ ફાટેલા  દુધને એક પાતળા સુતરાઉ કપડા વડે ગાળી લેવું, પનીરની ખટાશ દુર કરવા તેને પાણી વડે ધોઈ લેવું, હવે કપડાને બધી બાજુથી ભેગું કરી, દબાવીને બધું પાણી નીચોવીને કાઢી લેવું, હવે આ પનીરને એક ડીશમાં કાઢી લઇ તેને  5 મિનીટ ખુબ મસળવું જેથી તે નરમ થઇ જાય, તેમાં બે ચમચી આરારુટ મિક્સ કરી ફરી પાંચેક મિનીટ મસળવું, રસગુલ્લા સોફ્ટ કરવા પનીર નરમ હોવું ખુબ જરૂરી છે, હવે આ પનીરમાંથી એકસરખા માપના ગોળાં તૈયાર કરી લેવા, હવે ચાસણી તૈયાર કરવી આ માટે એક વાસણમાં ખાંડ ને પાણી મિક્સ કરી ધીમા તાપે ગેસ પર મુકવું, હલાવતા જવું, ખાંડ પાણીમાં ઓગળી જાય ત્યાં સુધી જ ચાસણી કરવી, હવે ગેસ એકદમ ફાસ્ટ કરવો, અને બધા પનીરના ગોળાં આ ચાસણીમાં ઉમેરી દેવા, હવે પાંચ મિનીટ માટે વાસણને ઢાંકી દેવું, આ દરમ્યાન પણ ગેસ ફાસ્ટ જ રહેવા દેવો, પાંચ મિનીટ પછી ઢાંકણ ખોલી રસગુલ્લા ચેક કરવા તેને હળવે હાથે હલાવવા અને થોડું પાણી ઉમેરવું જેથી ચાસણી ઘટ્ટ ના થઇ જાય ,  એવી રીતે દર પાંચ મિનીટે રસગુલ્લામાં થોડું પાણી ઉમેરતા જવું ને હળવા હાથે હલાવતાજવું, ટોટલ 20 મિનીટ થાય એટલે રસગુલ્લા તૈયાર થઇ જશે, ગેસ બંધ કરવો,  રસગુલ્લાને 10 થી 12 કલાક પછી ખાવામાં લઇએ તો તે વધુ મીઠા,જાળીદાર અને ફૂલેલા લાગશે,રસ્ગુલ્લાને હવાચુસ્ત ડબામાં ભરી ફ્રીઝમાં રાખીએ તો તેને 10 દિવસ સુધી ઉપયોગમાં લઇ શકાય છે.મજેદાર રસગુલ્લા તમે પણ બનાવો ને તમારી કમેન્ટ્સ અમને જણાવો.

આ રેસિપી નાં વિડીયો માટે જુઓ YouTube  : http://www.youtube.com/watch?v=f4Kyo54PSTk
Share:

રવિવાર, 12 જાન્યુઆરી, 2014

જીરા બિસ્કીટ - Jeera Biscuit



જીરા બિસ્કીટ:          


      જીરા બિસ્કીટ નાના-મોટા સૌને ભાવતા જ હોય છે, એમાં પણ તેને ચા સાથે ખાવાની તો બહુ મજા આવે છે, તો આજે આપણે જીરા બિસ્કીટ બનાવતા શીખીશું  .


સામગ્રી:

મેંદો = 120 ગ્રામ
માખણ [ બટર ] = 50 ગ્રામ
ખાંડ = 50 ગ્રામ
મીઠું =  1/2 ચમચી અથવા સ્વાદ મુજબ
જીરું = 2 ચમચી અથવા સ્વાદ મુજબ
ખાવાનો સોડા [ સોડા બાય કાર્બ ] = ફક્ત 1 ચપટી
બેકિંગ પાઉડર = 1 ચમચી
પાણી = જરૂર મુજબ


બનાવવાની રીત:

        સૌ પ્રથમ માખણમાં ખાંડનો પાઉડર ઉમેરી તેને ખુબ ફેટવું, ત્યાં સુધી ફેટવું કે ખાંડનો પાઉડર ઓગળીને માખણ સાથે ભળી ના જાય, હવે  આ મિશ્રણમાં મેંદો, સોડા,બેકિંગ પાઉડર અને મીઠું ચાળીને નાખવું, તેમાં જીરું ઉમેરવું બધું હાથ વડે મિક્સ કરવું, અને જરૂર પડે તો જ પાણી નાખી લોટ બાંધી લેવો, હવે આ લોટમાંથી  મોટો લુવો લઇ પાતળો રોટલો વણી લેવો,  તેને ચપ્પુ વડે કટ કરી અથવા મનગમતા આકારના કુકી કટર વડે કટ કરી,તેમાં  કાટા અથવા ચપ્પુ વડે કાપા કરી, બેકિંગ ટ્રે માં ગોઠવવા, હવે બિસ્કીટને ઓવનમાં 180 ડીગ્રી તાપમાન પર 15 મિનીટ માટે બેક કરવા, ખુબજ ટેસ્ટી બિસ્કીટ તૈયાર થઇ જશે,આ બિસ્કીટને ડબામાં ભરી લેવા  .


Share:

શુક્રવાર, 10 જાન્યુઆરી, 2014

ઘી માંથી બટર - Home made Butter from ghee



ઘી માંથી બટર (Butter)  બનાવવાની રીત :

            ઘી માંથી માખણ ખુબજ ઝડપથી અને બજારમાંથી મળે તેવું જ બનાવી શકાય છે, આ માખણનો અનેક વાનગી બનાવવામાં ઉપયોગ કરી શકાય છે  .


સામગ્રી:
 
ઘી = 1 વાટકી
ખાવાનો સોડા = 1 ચપટી
મીઠું = 1 ચપટી
હળદર = 1 ચપટી
બરફના ટુકડા = 5 થી 6

બનાવવાની રીત:


        સૌ પ્રથમ ઘી ને માઇક્રોવેવના  ફૂલ પાવરમાં 10 સેકન્ડ માટે ઓગાળવું અથવા તડકામાં ઓગાળવું ત્યારબાદ તેમાં મીઠું,ખાવાનો સોડા, હળદર બધું જ નાખી બરફના ટુકડા ઉમેરવા અને ચમચી વડે એકદમ હલાવવું, થોડી વારમાં માખણ [ બટર ] બરફ સાથે ચોંટવા લાગશે અને પાણી છુટું પડવા લાગશે, પાણી અને બરફ કાઢી નાખવા, બટર તૈયાર થઇ જશે, હવે આ બટરને ચોરસ મોલ્ડમાં ટ્રાન્સફર કરી ફ્રીઝરમાં મૂકી દયો, બજારમાં મળતા બટર જેવો જ બટર ક્યુબ તૈયાર થઇ જશે  .
Share:

બુધવાર, 8 જાન્યુઆરી, 2014

કાજુ કતરી - Kaju katari

કાજુ કતરી:                         

        કાજુ કતરી એ ખુબજ સરસ સ્વાદિષ્ટ મીઠાઈ છે, બાળકો અને મોટેરાઓ સૌ ને કાજુ કતરી ભાવતી જ હોય છે, તો આજે આપણે કાજુ કતરી બનાવતા શીખીશું:

સામગ્રી:

કાજુ = 250 ગ્રામ
ખાંડ = 125 ગ્રામ
કેસર = 5 થી 6 તાંતણા
ઘી = એક ચમચી
પાણી = 100 મિલી

 બનાવવાની રીત:

        સૌ પ્રથમ કાજુનો પાઉડર કરવો, પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કાજુમાંથી પાઉડરની બદલે પેસ્ટ ના બની જાય, શક્ય હોય તો મિક્સરના પલ્સ બટનનો ઉપયોગ કરી ચેક કરતા જવું, જેથી કાજુનો કોરો પાઉડર જ બને, હવે એક વાસણમાં પાણી અને ખાંડ અને કેસર મિક્સ કરી, ગેસ પર મુકી તેની ચાસણી કરવા દ્રાવણ હલાવતા જવું,જયારે ચાસણી બરાબર ત્રણ તારની થાય કે તરત ગેસ બંધ કરવો, એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચાસણી ત્રણ તારથી ઓછી કે વધુ ના થવી જોઈએ, હવે તેમાં તૈયાર કરેલ કાજુનો પાઉડર ઉમેરવો, એક ચમચી ઘી ઉમેરવું,હલાવી ને બનેલ લોટ થોડો ઠંડો થવા દેવો, આ લોટ હાથમાં પકડી શકાય એટલો ઠંડો થાય કે વેલણની મદદથી તેનો પાતળો રોટલો વણી લેવો અને ચપ્પુ વડે ડાયમંડ શેપમાં કતરી કટ કરી લેવી, ને ડબામાં ભરી દેવી, સામાન્ય રીતે બજારમાં મળતી કાજુ કતરી પર ચાંદીનો વરખ લગાડેલ હોય છે, પણ ક્યારેક વરખમાં એલ્યુમીનીયમ વાપરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય ને નુકશાન કરે છે, વળી  આ વરખ શાકાહારી પણ ગણાતા નથી માટે અહી વરખનો ઉપયોગ કરવામાં નથી આવ્યો,  સરસ મજાની કાજુ કતરી તૈયાર છે.

Share:

મંગળવાર, 7 જાન્યુઆરી, 2014

ઊંધિયાની વડી - Undhiya ni vadi

 ઊંધીયાની વડી: [ 10 થી 12 વડી માટે ] 


         ઊંધીયું એ ગુજરાતીઓની પ્રિય વાનગી  છે, આમ તો ઊંધીયું  બનાવવું સહેલું છે, પણ તેની વડી બનાવતા આવડી જાય તો દરેક વ્યક્તિ  સરળતાથી બનાવી શકે, તો ચાલો આજે ઊંધિયાની વડી બનાવતા શીખીએ

સામગ્રી:

ચણાનો લોટ = 3/4 વાટકી
ઘઉંનો લોટ = 1/4 વાટકી
મેથીની ભાજી [ કોથમીર પણ ચાલે] = 1 વાટકી જેટલી ધોઈને સમારેલ
તેલ = મોણ માટે 3 ચમચી જેટલું
લીંબુના ફૂલ = 1/4 ચમચી
ખાવાનો સોડા [ સોડા બાય કાર્બ ] =  ફક્ત 1 ચપટી
ગરમ મસાલો = 1/2 ચમચી
હળદર = 1/4 ચમચી
મીઠું = સ્વાદાનુસાર 
લસણની ચટણી અથવા લાલ મરચું = 1/2 ચમચી
ધાણાજીરું = 1/2 ચમચી
ખાંડ = 1/2 ચમચી 
પાણી = જરૂર પ્રમાણે


બનાવવાની રીત :

        સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, ઘઉંનો લોટ, મેથી અને બધીજ સામગ્રી મિક્સ કરી ને કઠણ લોટ તૈયાર કરવો, આ લોટમાંથી એકસરખા માપની ગોળીઓ  તૈયાર કરવી, આ ગોળીઓ  થોડા તેલમાં તળી લેવી  .   ઊંધિયાની વડી તૈયાર થઇ ગઈ છે, આ વડીને એમ જ પણ ખાઈ શકાય, બહુ મજા પડે  .


Share:

રવિવાર, 5 જાન્યુઆરી, 2014

ચોકલેટ બિસ્કીટ - Chocolate Biscuit

ચોકલેટ બિસ્કીટ :

        ચા સાથે નાસ્તા તરીકે બિસ્કીટ ખાવા એ બાળકો અને મોટાઓને પણ ભાવતી વસ્તુ છે, પણ જો બિસ્કીટ ઘરે બનાવતા આવડી જાય તો કેટલી મજા આવી જાય!  વળી ઘરે તો આપણે હાઇજીનીક રીતે બિસ્કીટ બનાવી શકીએ, તો આવો ચોકલેટ બિસ્કીટ બનાવીએ

સામગ્રી:

મેંદો = 120 ગ્રામ
બટર [ માખણ ] = 50 ગ્રામ
ખાંડનો પાઉડર = 50 ગ્રામ
ખાવાનો સોડા [ સોડા બાય કાર્બ ] =  1/4 ચમચી
બેકિંગ પાઉડર = 1  ચમચી
કોકો પાઉડર =   દોઢ ચમચી
કાજુ,બદામ = 3 ચમચી ભુક્કો કરેલ
પાણી = 1/2 ગ્લાસ થી પણ ઓછું

બનાવવાની રીત:

            સૌ પહેલા એક બાઉલમાં બટર અને ખાંડનો પાઉડર લઇ તેને વ્યવસ્થીત  ફીણી લેવા, જ્યાં સુધી ખાંડ  એકદમ બટરમાં એકરસ ના થાય ત્યાં સુધી ફીણવું, હવે તેમાં રસ ગાળવાની મોટી ગરણી [ સ્ટ્રેઇનર ] વડે મેંદો, સોડા, બેકિંગ પાઉડર અને કોકો પાઉડર [ બજારમાં મળે છે ] , બધું મિક્સ કરી એકીસાથે ચાળી લેવું, અને જરૂર પડે તો જ થોડું પાણી લઇ લોટ બાંધી લેવો, આ લોટમાંથી પાતળો રોટલો વણી લેવો,ઉપર કાજુ,બદામનો ભુક્કો ભભરાવી ફરી થોડો વણી લેવો, ત્યારબાદ મનગમતા આકારના કુકી કટર [ બિસ્કીટ કાપવાના બીબા = બજારમાં મળે છે ] વડે બિસ્કીટ કાપી લેવા, તેમાં ચપ્પુ વડે કાપા પાડવા, જેથી તે ફૂલે નહિ, હવે આ બિસ્કીટને બેકિંગ ટ્રેમાં એકસરખા ગોઠવી દેવા, થોડા છુટા ગોઠવવા, વધારાના લોટમાંથી ફરી આ જ રીતે બિસ્કીટ તૈયાર કરી ટ્રે માં ગોઠવવા, હવે માઇક્રોવેવના કન્વેક્શન મોડમાં 180 ડીગ્રી  તાપમાન લઇ, 15 મિનીટ માટે  બિસ્કીટ બેક કરવા, ત્યારબાદ બિસ્કીટ ઠંડા કરી હવાચુસ્ત ડબામાં  ભરી લેવા, ક્રિસ્પી અને ટેસ્ટી બિસ્કીટ તૈયાર છે  .


Share:

શનિવાર, 4 જાન્યુઆરી, 2014

માઇક્રોવેવમાં ચા - Microwave tea


માઇક્રોવેવમાં ચા: [ 2 વ્યક્તિ માટે]

          આમ તો ચા બનાવવી સહેલી છે, પણ ક્યારેક માઇક્રોવેવમાં ચા બનાવવાની ઈચ્છા હોય તો તેમાં પણ સારી અને ઝડપથી ચા તૈયાર થાય છે, તો આવો આજે માઇક્રોવેવમાં ચા બનાવતા શીખીશું:

સામગ્રી:

દૂધ -  દોઢ કપ
પાણી - 1/2 કપ
ખાંડ - 2 ચમચી અથવા સ્વાદાનુસાર
ચા ની પત્તી [ ભૂકી] - 2 ચમચી, જો વધુ કડક કરવી હોય તો 1/2 ચમચી વધુ લેવી
આદુ - એક નાનો ટુકડો છીણી લેવો
એલચી - ઉનાળામાં આદુ ના ફાવે તો 2 એલચી ફોલીને લેવી
[ હવે તો મસાલા ચા સારી બ્રાન્ડમાં પણ મળે છે, તેમાં બધા મસાલા મિક્ષ હોય છે, જેથી આદું કે કઈ ચામાં ઉપરથી  ઉમેરવાની જરૂર પડતી નથી]

રીત:-

         સૌ પ્રથમ માઈક્રો સેફ વાસણ લેવું, હવે તો માઈક્રો સેફ કીટલી પણ મળે છે, [ જુઓ ઉપરનું ચિત્ર - માઈક્રો સેફ કીટલી ] તેમાં પાણી, દૂધ , ખાંડ, ચા, આદુ મિક્ષ કરી માઈક્રો ફૂલ પાવરમાં દોઢ મિનીટ આપવી ને ચામાં ઉભરો આવે તેનું ધ્યાન રાખવું, જો દોઢ મિનીટ માં પણ ઉભરો ના આવે તો અડધી મિનીટ વધારે આપવી,ઉભરો આવે કે તરત સ્ટોપ કરવું જેથી ચા ઉભરાઈ બહાર ના આવી જાય, આવી રીતે બે-ત્રણ ઉભરા લઇ લેવા, પછી તેને કપમાં ગાળી લેવી, ટેસ્ટી  ચા પીવા માટે તૈયાર છે .


Share:

વેજ ટાકોઝ - veg takos

વેજ ટાકોઝ:

        ટાકોઝ એ એક મેક્સિકન વાનગી છે, બહુ ટેસ્ટી હોય છે, તો આજે  થોડા ફેરફાર સાથે તેને ગુજરાતી ટચ આપી ને બનાવીએ:

ટાકોસ માટેની સામગ્રી:

મકાઈનો લોટ = 3/4 કપ
મેંદો = 1/2 કપ
તેલ = 3 ચમચી
મીઠું = સ્વાદાનુસાર
ઓરેગાનો = ટાકોઝ પર છાંટવા [ઓપ્શનલ છે, મળે તો વાપરવો]

પુરણ માટેની સામગ્રી:

સફેદ રાજમાં = 100 ગ્રામ
સાજીના ફૂલ [સોડા બાય કાર્બ] = 1/4 ચમચી
ઘી = 1 ચમચી
ડુંગળી = 1 ઝીણી સમારેલ
લીલી ડુંગળી = 2 ઝીણી સમારેલ
લસણ = 1 ચમચી વાટેલું
ટામેટા ની ગ્રેવી = 2 ચમચી
માખણ = 2 ચમચી
ચીઝ = 1 ચમચી
લાલ મરચું = 1 ચમચી
રેડ ચીલીસોસ  [તૈયાર મળે છે ] = 1 ચમચી
મીઠું = પ્રમાણસર

સર્વ કરવા માટે [ પિરસવા]:

કોબીજ = ઝીણી સમારેલ
લીલી ડુંગળી = સમારેલ
ચીઝ = છીણેલું

બનાવવાની રીત:

       સૌથી પહેલા મકાઈ અને મેંદાના લોટમાં મીઠું અને તેલ નાખી મધ્યમ કઠણ લોટ બાંધવો, તેમાંથી  4" [ ચાર ઇંચ] ની પૂરી વણી શકાય તે માપના લુવા તૈયાર કરવા, હવે મેંદાનું અટામણ લઇ તેની ચાર ઇંચ ની પૂરી  વણી લેવી, તેમાં કાંટા ચમચીથી કાપા પાડવા જેથી પૂરી ફૂલે નહિ, ગરમ તેલમાં તવા પર એક બાજુ પૂરી તળી બીજી બાજુ પૂરી ફેરવી, વચ્ચે ઝારો મૂકી પૂરીને બેવડી વાળી ને તળી લેવી, હવે તેને ઠંડી કરવી, ટાકોઝ તૈયાર છે, હવે તેનું પુરણ બનાવવા રાજમાને 6 કલાક પલાળી, તેમાં મીઠું અને સોડા નાખી બાફવા, તેમાંથી  થોડા રાજમાંના ટુકડા કરવા થોડાક વાટી લેવા, હવે ઘી ગરમ કરવા મુકવું તેમાં લીલી ડુંગળી, લસણ અને સુકીડુંગળી સાંતળવી, 2 મિનીટ પછી ટામેટાની ગ્રેવી, રાજમાં,મીઠું,મરચું,રેડ સોસ , માખણ, ચીઝ ઉમેરવું અને લચકા જેવું થાય એટલે ગેસ બંધ કરવો, પીરસવા માટે ટાકોસમાં 2 ચમચી પુરણ  ભરી,તેના ઉપર કોબીજ, લીલી ડુંગળી, ચીઝ પાથરવા,ઓરેગાનો ટાકોઝ  પર ભભરાવી  ડીસમાં સર્વ કરી દેવા , ટેસ્ટી ટાકોઝ તૈયાર  .




Share:

શુક્રવાર, 3 જાન્યુઆરી, 2014

ઈન્સ્ટન્ટ માઇક્રોવેવ ખાંડવી: Instant microwave khandavi



 ઈન્સ્ટન્ટ માઇક્રોવેવ ખાંડવી:

        ખાંડવી એ ગુજરાતની લોકપ્રિય વાનગી છે, તે ઓછી સામગ્રીમાં અને ખુબજ ઝડપથી તૈયાર થઇ જાય છે, છતાં પણ ખુબ સ્વાદિષ્ટ હોય છે તો ચાલો આજે આપણે ખાંડવી બનાવતા શીખીએ,


સામગ્રી:

ચણાનો લોટ = 1 કપ
દહીં = 1 કપ
પાણી = 2 કપ
મીઠું = સ્વાદપ્રમાણે
લીંબુના ફૂલ = 1/4 ચમચી
હળદર = 1/4 ચમચી
હિંગ = 1 ચપટી
તેલ = 1 ચમચી

વઘાર માટે:

તેલ = 2 ચમચી
રાઈ = 1/2 ચમચી
તલ = 1 ચમચી
લીલા મરચા = 2 થી 3 ઉભા કાપેલા
લીમડો = 4 થી 5 પાન
કોથમીર = 3 ચમચી ગાર્નીસ કરવા
કોપરાની છીણ = 2 ચમચી

બનાવવાની રીત:

          સૌ પ્રથમ ચણાનો લોટ લઇ તેમાં દહીં મિક્ષ કરવું તેમાં એક કપ પાણી નાખી તેને વ્યવસ્થિત બ્લેન્ડ કરવું, ત્યારબાદ તેમાં મીઠું, હિંગ, હળદર, લીંબુના ફૂલ, તેલ  ઉમેરી હલાવી લેવું, હવે તેને માઈક્રો સેફ બાઉલમાં લઇ લેવું, અને માઈક્રોવેવના 100% પાવરમાં એટલે કે ફૂલ પાવરમાં 2 મિનીટ આપવી  બાઉલ બહાર કાઢી ચમચા વડે વ્યવસ્થિત હલાવી લેવું હવે ફરી તેને ફૂલ પાવરમાં 2 મિનીટ માટે મુકવું, બહાર કાઢી હલાવવું, અને લોટના ગઠ્ઠા ભાંગી નાખવા, હવે મિશ્રણ ઘટ્ટ થઇ ગયું હશે, પણ ફરી તેને માઈક્રો ફૂલ પાવરમાં 2 મિનીટ ઘટ્ટ કરવું, બહાર કાઢી હલાવી લેવું,  કિચનના સ્વચ્છ પ્લેટફોમમાં આભાસી ચોરસ પટ્ટામાં પાતળું ને એક્સરખું પાથરી દેવું, પાથરવા માટે હાર્ડવેરની દુકાને લંબચોરસ પતરાની પટ્ટી મળે છે, તેનો ઉપયોગ કરી શકાય, હવે તેને દશેક મિનીટ ઠરવા દઈ,ચપ્પુ વડે 2 ઇંચ જેવી ઉભી પટ્ટી કાપવી, શક્ય હોય તો લંબાઈ 6 ઈંચની રાખવી, હવે તેને ધીરે ધીરે ગોળ ગોળ વીંટતા જવું , ને એકસરખા માપની ખાંડવી તૈયાર કરી લેવી, વઘાર કરવા તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ, લીમડો, મરચા તતડાવીને વઘાર ખાંડવી પર ધીમેથી રેડવો ને કોથમીર તથા કોપરાના છીણથી ગાર્નીશ કરી તેને પીરસવી


               
Share:

Winter Special - How to make Frozen vegies

ફ્રિજ કરેલા વટાણાં

મિત્રો શિયાળા માં કેટલા સરસ અને સસ્તા શાકભાજી મળે છે, અને અમુક શાકભાજી તો બીજી ઋતુ માં જોવા પણ નથી મળતા દા. ત. લીલા વટાણા, મેથી ની ભાજી, મકાઈ નાં દાણા વગેરે .
કદાચ મળે તોય તે quality સારી હોતી નથી અને ભાવ તો ઊંચા હોય છે
દા. ત. લીલા મરચા, આદું, લસણ વગેરે.
આવા શાક ને ફ્રોઝોન કરી ને Refrigerator માં અથવા  સુકવણી કરી ને લાંબા સમય સુધી / આખું વર્ષ store કરી શકાય છે જે budgetory છે, સમય નો બચાવ કરે છે અને ઘણી બધી quick રેસિપી માં ઉપયોગ માં લઇ શકાય છે.

આજે હું થોડી Refrigerator માં freezing અને સુકવણી ની રીતો બતાવીશ :

૧) "લીલા વટાણા " Refrigerator માં freezing કરવા ની રીત :

મોટા ભાગ ની રેસિપી માં "લીલા વટાણા " નો ઉપયોગ થાય છે જે શિયાળા સિવાય સારા મળતા નથી, તે Refrigerator માં ફ્રોઝોન કરી આખું વર્ષ ઉપયોગ માં લઇ શકાય છે.
સામગ્રી :
"લીલા વટાણા" નાં દાણા -૧ કિલો
પાણી, મીઠું, ખાંડ, ખાવા નો સોડા

- સૌ પ્રથમ ૧ કિલો ની તપેલી માં પાણી ઉકળવા મુકવું ( ૧ કિલો "લીલા વટાણા" નાં દાણા ડૂબી જાય તેટલું) તેમાં ૧ ટેબલ સ્પૂન મીઠું, ખાંડ, અને ૧ ટી સ્પૂન ખાવાનો સોડા નાખવો.
- પાણી ઉકલે એટલે તેમાં "લીલા વટાણા" નાં દાણા નાખી ૩ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળવું અને પાણી નીતારી લેવું
- ત્યાં સુધી એક બીજી તપેલી માં બરફ ના ટુકડા નાખી "લીલા વટાણા" નાં દાણા ડૂબી જાય તેટલું પાણી તૈયાર કરવું,
-હવે ઉકળેલા "લીલા વટાણા" નાં દાણા બરફ ની તપેલી માં નાખી ૨ મિનિટ સુધી રાખવા, તેને
પાણી નીતારી તરતજ કોરા કપડા માં ડ્રાય કરી plastic ની જાડી થેલી માં ભરી લેવા તેને Refrigerator નાં બરફ નાં ખાના (deep fridger ) માજ રાખવા.
ઉપયોગ માં લેતી વખતે આ વટાણા ને બાફવા ની જરૂર રેતી નથી સીધાજ ઉપયોગ માં લેવાય છે.

૨) મકાઈ Refrigerator માં ફ્રોઝોન કરવા ની રીત :

- આખી મકાઈ ને પણ ઉપર ની "લીલા વટાણા" રીત મુજબ કરી Aluminium ફોઈલ (બજાર માં આસાની ની થી મળે છે) માં કવર કરી Refrigerator નાં બરફ નાં ખાના (deep fridger ) માજ રાખવી, (મીઠું, ખાંડ, ખાવા નો સોડા નાખ્યા વગર)

ઉપયોગ માં લેતી વખતે મકાઈ નાં દાણા કાઢી ઘણી રેસિપી માં ઉપયોગ થાય છે.

3) "મેથી ની ભાજી" Refrigerator માં ફ્રોઝોન કરવા ની રીત :

- સમારેલી "મેથી ની ભાજી" - જરૂર મુજબ
- Aluminium ફોઈલ રોલ (બજાર માં આસાની ની થી મળે છે)
સમારેલી "મેથી ની ભાજી" નાં ૩-૪ ભાગ કરી તેને Aluminium ફોઈલ માં કવર કરી નાના નાના packet બનાવવા તેને મોટી plastic ની જાડી થેલી માં મૂકી Refrigerator નાં બરફ નાં ખાના (deep fridger ) માજ રાખવી.
ઉપયોગ માં લેતી વખતે તેને સાવચેતી થી ફોઈલ માંથી કાઢવી, આ રીતે કરેલી "મેથી ની ભાજી" લાંબા સમય સુધી એકદમ લીલી અને તાજી રહે છે.

4) "મેથી ની ભાજી " ની સુકવણી કરવા ની રીત (આને કસુરી મેથી કહેવાય છે) :

સમારેલી "મેથી ની ભાજી" ને એક પેપર ઉપર પાથરી સૂર્ય પ્રકાશ માં એકદમ ડ્રાય થઇ જાય ત્યાં સુધી સુકવી ને air tight container માં ભરી આખું વર્ષ ઉપયોગ માં લેવાય 

છે

5) લીલા મરચા, આદું, લસણ ની પેસ્ટ Refrigerator માં ફ્રોઝોન કરવા ની રીત :

લીલા મરચા, આદું, લસણ ની પેસ્ટ બનાવી તેમાં ૧/૨ ટેબલ સ્પૂન તેલ, મીઠું અને લીંબુ નો રસ અથવા વિનેગર નાખી કાચ ની air tight bottle માં ભરી Refrigerator માં મુકવી (બરફ ના ખાના માં નહિ) આવી પેસ્ટ ૩-૪ મહિના સુધી ચાલે છે અને વાંરવાર કરવા ની મહેનત નથી રહેતી.
Share:

મેથીના થેપલા : Methi na thepala

મેથીના થેપલા:

        થેપલા એ ગુજરાતી લોકોની પ્રિય વાનગી છે, તેમાં પણ મેથીના થેપલા અને સુકીભાજીનો તો અજોડ સ્વાદ હોય છે, થેપલા જલ્દી ના બગડતા હોવાથી પ્રવાસ દરમિયાન પણ તેને લઇ જવામાં આવે છે, તો ચાલો આજે આપણે મેથીના થેપલા બનાવતા શીખીએ,

સામગ્રી:

મેથીની ભાજી = 1/2 ઝૂડી
ઘઉંનો લોટ = 2 વાટકી
ચણાનો લોટ = 1 વાટકી
લસણ ની ચટણી = 2 ચમચી
ધાણાજીરું = 2 ચમચી
મીઠું = સ્વાદાનુંસાર
હળદર = 1 ચમચી
જીરું = 1 ચમચી
તેલ = 2 ચમચી લોટ બાંધવા, 1 વાટકી થેપલા તળવા માટે
પાણી =  3/4 થી 1 ગ્લાસ

બનાવવાની રીત:

         સૌ પ્રથમ મેથીને વ્યવસ્થિત ધોઈને સમારી લેવી,  ત્યાર બાદ એક લોટ બાંધવાના વાસણમાં મેથી લઇ તેમાં ઘઉં તથા ચણાનો લોટ ઉમેરવો, તેમાં હળદર, મીઠું, લસણની ચટણી, ધાણાજીરું, તેલ, જીરું આ બધું નાખી તેને હાથ વડે મિક્સ કરવું, ત્યારબાદ ધીમે ધીમે પાણી નાખતા જવું અને લોટ બાંધતા જવો, આવી રીતે કઠણ લોટ બાંધવો, હવે આ લોટ માંથી એકસરખા લુવા તૈયાર કરવા, તેને જરૂર પડે તો લોટ લગાડી ને વણતા જવું, સાથે એક તવો ધીમા તાપે ગરમ કરવા મુકવો, તવો ગરમ થાય કે તેમાં વણેલું  થેપલું નાખી,ફરતે ધીમી ધારે એક ચમચી તેલ નાખવું, થોડું શેકાય એટલે  તેને બીજી બાજુ ફેરવીને  તવીથા વડે દબાણ  આપતા શેકી લેવું,આમ જરૂર પડે તો ફરી અડધી ચમચી તેલ લઇ એક-બે વાર તેને ફેરવી શેકી લેવું, આવી રીતે બધા થેપલા વણીને ધીમા તાપે તેલ નાખતા જઈ શેકી લેવા, સુકીભાજી સાથે પીરસવા
Share:

બુધવાર, 1 જાન્યુઆરી, 2014

અડદિયા - Adadiya

અડદિયા:

         અડદિયા એ ગુજરાતમાં શિયાળામાં ખવાતો લોકપ્રિય પાક છે, અડદમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે, આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે, વળી  તેમાં ગરમ ગણાતા વસાણા પણ નાખવામાં આવે છે, માટે શિયાળાની ઋતુમાં તો અડદિયા ખાવા જ જોઈએ, તો ચાલો આજે આપણે અડદિયા બનાવીશું

સામગ્રી:

અડદનો સાધારણ કરકરો લોટ = 1/2 કિલો
ઘી = 1 કિલો
દળેલી ખાંડ = 3/4 કિલો
બદામ, પીસ્તા = 250 ગ્રામ ભૂકો કરેલા
દળેલી સુંઠ =100 ગ્રામ
ખાંડેલા પીપરીમૂળ = 50 ગ્રામ
એલચી = 1/2 ચમચી વાટેલી
જાયફળ = 1/2 ચમચી વાટેલા
ખસખસ = 50 ગ્રામ
ખેરનો ગુંદર   =  50 ગ્રામ

બનાવવાની રીત:

            સૌ પ્રથમ એક વાસણમાં થોડું ઘી લઇ ને તેમાં ગુંદર  તળી લેવો, ગુંદર  ફૂલીને ડબલ થાય કે તરત કાઢી લેવો , તેને બ્રાઉન તળવો  નહી, હવે આ વાસણમાં 1/4 કિલો ઘી મુકવું તે ઓગળે એટલે તેમાં અડદનો લોટ ઉમેરવો ને તેને ધીમા તાપે શેકતા રહેવું,  લોટ બદામી રંગનો થાય અને શેકાવાની સરસ સુગંધ આવે એટલે ગેસ બંધ કરી દેવો, ને વાસણને નીચે ઉતારી લેવું, પછી તરત જ તેમાં ડ્રાયફ્રુટ, સુંઠ,ખાંડ, એલચી,જાયફળ નો પાઉડર ઉમેરવો, પીપરીમૂળ, ખસખસ અને ગુંદર બધું જ નાખવું અને હલાવી લેવું, હવે વધારાનું ઘી ગરમ કરી તેમાં નાખવું, શેકેલ લોટ ઘી થી લદબદ લાગવો જોઈએ, હવે આ મિશ્રણને એક ડીશમાં ઘી લગાવી તેમાં ટ્રાન્સફર કરી દેવું,અને ઠરવા દેવું, અને મનગમતા આકારમાં કાપી લેવા અને ડબ્બામાં ભરી દેવા
Share:

Blog Archive

Recent Posts

Unordered List

Pages

Theme Support