ઈન્સ્ટન્ટ માઇક્રોવેવ ખાંડવી:
ખાંડવી એ ગુજરાતની લોકપ્રિય વાનગી છે, તે ઓછી સામગ્રીમાં અને ખુબજ ઝડપથી તૈયાર થઇ જાય છે, છતાં પણ ખુબ સ્વાદિષ્ટ હોય છે તો ચાલો આજે આપણે ખાંડવી બનાવતા શીખીએ,
સામગ્રી:
ચણાનો લોટ = 1 કપ
દહીં = 1 કપ
પાણી = 2 કપ
મીઠું = સ્વાદપ્રમાણે
લીંબુના ફૂલ = 1/4 ચમચી
હળદર = 1/4 ચમચી
હિંગ = 1 ચપટી
તેલ = 1 ચમચી
વઘાર માટે:
તેલ = 2 ચમચી
રાઈ = 1/2 ચમચી
તલ = 1 ચમચી
લીલા મરચા = 2 થી 3 ઉભા કાપેલા
લીમડો = 4 થી 5 પાન
કોથમીર = 3 ચમચી ગાર્નીસ કરવા
કોપરાની છીણ = 2 ચમચી
બનાવવાની રીત:
સૌ પ્રથમ ચણાનો લોટ લઇ તેમાં દહીં મિક્ષ કરવું તેમાં એક કપ પાણી નાખી તેને વ્યવસ્થિત બ્લેન્ડ કરવું, ત્યારબાદ તેમાં મીઠું, હિંગ, હળદર, લીંબુના ફૂલ, તેલ ઉમેરી હલાવી લેવું, હવે તેને માઈક્રો સેફ બાઉલમાં લઇ લેવું, અને માઈક્રોવેવના 100% પાવરમાં એટલે કે ફૂલ પાવરમાં 2 મિનીટ આપવી બાઉલ બહાર કાઢી ચમચા વડે વ્યવસ્થિત હલાવી લેવું હવે ફરી તેને ફૂલ પાવરમાં 2 મિનીટ માટે મુકવું, બહાર કાઢી હલાવવું, અને લોટના ગઠ્ઠા ભાંગી નાખવા, હવે મિશ્રણ ઘટ્ટ થઇ ગયું હશે, પણ ફરી તેને માઈક્રો ફૂલ પાવરમાં 2 મિનીટ ઘટ્ટ કરવું, બહાર કાઢી હલાવી લેવું, કિચનના સ્વચ્છ પ્લેટફોમમાં આભાસી ચોરસ પટ્ટામાં પાતળું ને એક્સરખું પાથરી દેવું, પાથરવા માટે હાર્ડવેરની દુકાને લંબચોરસ પતરાની પટ્ટી મળે છે, તેનો ઉપયોગ કરી શકાય, હવે તેને દશેક મિનીટ ઠરવા દઈ,ચપ્પુ વડે 2 ઇંચ જેવી ઉભી પટ્ટી કાપવી, શક્ય હોય તો લંબાઈ 6 ઈંચની રાખવી, હવે તેને ધીરે ધીરે ગોળ ગોળ વીંટતા જવું , ને એકસરખા માપની ખાંડવી તૈયાર કરી લેવી, વઘાર કરવા તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ, લીમડો, મરચા તતડાવીને વઘાર ખાંડવી પર ધીમેથી રેડવો ને કોથમીર તથા કોપરાના છીણથી ગાર્નીશ કરી તેને પીરસવી
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો