રવિવાર, 30 ઑગસ્ટ, 2015

ડુંગળીના ભજીયા - ONION PAKODA


ડુંગળીના ભજીયા :-

સામગ્રી :-
ઝીણી સમારેલ ડુંગળી - 2 નંગ મોટી
સમારેલ લીલા મરચા - 2 નંગ
ચણાનો લોટ - 1, 1/2 કપ
ચોખાનો લોટ - 1/2 કપ [ ભજીયા વધુ ક્રિસ્પી બનાવવા ]
મીઠું - સ્વાદાનુસાર
અજમો - 1/4 ચમચી
લાલ મરચું - 1/2 ચમચી
હળદર - 1/4 ચમચી
ધાણા પાઉડર - 2 ચમચી
તેલ - 1/4 કપ + તળવા માટે
ખાવાનો સોડા - 1 ચપટી

રીત :-
          સૌ પ્રથમ ચણાનો લોટ, ચોખાનો લોટ , મીઠું,અજમો , ખાવાનો સોડા અને 1/4 કપ તેલ મિક્સ કરવું , તેમાં સમારેલ ડુંગળી , સમારેલ મરચા અને બધા મસાલા ઉમેરી ફરી હથેળી વડે મિક્સ કરવું , હવે હાથમાં બે ચમચી જેટલું પાણી લઇ આ મિક્સર ઉપર છાંટવું, અને ફરી હથેળી વડે વજન આપી આ બધું મિક્સ કરવું અને બધું સાથે કઠણ બંધાવા લાગે તેટલું જ પાણી નાખવું , જો મિક્સર ચીકણું લાગે તો ચણાનો લોટ ઉમેરી દેવો , હવે તેલ ગરમ કરવું , તેલ મધ્યમ ગરમ થાય એટલે હાથ અથવા ચમચી વડે મીક્સરના  એક એક નાના લુવા લઇ ધીમેથી તળવા નાખવા , જારા વડે ફેરવતા જવું , તાપમાન ધીમું કરતા જવું, હવે ભજીયા ધીમા તાપે જ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવા , ચટણી સાથે ગરમા ગરમ પીરસવા


Share:

શનિવાર, 29 ઑગસ્ટ, 2015

સમોસા - SAMOSA

                                                          

સમોસા :-

સામગ્રી :-
મેંદો - 2 કપ [250 ગ્રામ ]
ઘી - 1/4 કપ
મીઠું - સ્વાદાનુસાર
તેલ - 1 ચમચો + તળવા માટે
બાફેલ બટાકા - 250 ગ્રામ
લીલા વટાણા - 1/2 કપ
આદુની પેસ્ટ - 1 ચમચી
સમારેલ લીલા મરચા - 2 નંગ
જીરું - 1/2 ચમચી
હિંગ - 1 ચપટી
ધાણા પાઉડર - 1 ચમચી
ગરમ મસાલો - 1/4 ચમચી
લાલ મરચા પાઉડર - 1/2 ચમચી
આમચૂર પાઉડર - 1/2 ચમચી
લય - જરૂર મુજબ [ લય બનાવવા 4 ચમચી મેંદામાં 4 ચમચી જેટલું પાણી નાખી હલાવી લેવું, જેથી આ ઘટ્ટ પ્રવાહી વડે સમોસાની બાજુ ચોંટાડી શકાય ]
રીત :-
    સૌ પ્રથમ સમોસા બનાવવા માટે લોટ બાંધવો, આ માટે એક વાસણમાં મેંદો, મીઠું અને ઘી મિક્સ કરવું તેને થોડું થોડું પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધવો, તેને પાંચેક મિનીટ મસળી અને ઢાંકીને રાખવો, હવે સમોસાનો મસાલો તૈયાર કરવા માટે બટાકાની છાલ ઉતારી મસળીને તેનો માવો તૈયાર કરવો, સહેજ બટાકાના ટુકડા રહે એવો માવો કરવો, હવે એક વાસણમાં 1 ચમચો તેલ ગરમ કરવું, તેમાં જીરું શેકવું, ત્યારબાદ હિંગ નાખી આદુની પેસ્ટ અને સમારેલ મરચા નાખવા તેને હલાવીને લીલા વટાણા ઉમેરવા તેને ઢાંકીને બે મિનીટ પકાવવા, ત્યારબાદ બટાકાનો માવો અને બધા મસાલા નાખી હલાવીને ગેસ બંધ કરવો અને મસાલો ઠંડો થવા દેવો, હવે લોટ મસળી તેમાંથી મોટી પૂરી વણાય તે માપના એકસરખા લુવા તૈયાર કરવા, તેમાંથી પૂરી વણવી, પુરીની વચ્ચે એક ઉભો કાપો પાડી તેના બે ભાગ કરવા, તેમાં એક ભાગ લઇ તેની ફરતે લય લગાવી સમોસાનો કોન વાળવો, વચ્ચે બે - ત્રણ ચમચી જેટલો મસાલો ભરી સમોસું બંધ કરવું, આ રીતે બધા સમોસા ભરી લેવા, તેને હવામાં થોડા સુકાવા દેવા જેથી તે ક્રિસ્પી થાય, હવે તેને મધ્યમ તાપમાં ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવા, ચટણી સાથે ગરમા ગરમ પીરસવા।


Share:

શુક્રવાર, 28 ઑગસ્ટ, 2015

કાજૂ પિસ્તા રોલ - KAJU PISTA ROLL

                                                                  

કાજૂ પિસ્તા રોલ :-

સામગ્રી :-
કાજૂ - 1, 1/4 કપ
પિસ્તા - 1 કપ
ખાંડનો પાઉડર -1 કપ
ઈલાયચી પાઉડર - 2 ચપટી
પાણી - જરૂર મુજબ

રીત :-
      સૌ પ્રથમ કાજૂ અને પિસ્તામાંથી પાઉડર તૈયાર કરવો, આ માટે તેને અલગ જ થોડા થોડા શેકી લેવા, ત્યારબાદ મીક્સરના પલ્સ બટન વડે બન્નેનો અલગ પાઉડર તૈયાર કરવો, હવે એક વાસણમાં ખાંડનો પાઉડર લઇ તેને હલાવતા જઈ થોડો ગરમ કરવો, ગેસ બંધ કરવો, હવે કાજૂના પાઉડરમાં અડધો કપ આ ખાંડનો પાઉડર મિક્સ કરવો, તેમાં 1 ચપટી ઈલાયચી પાઉડર નાખી અને એક ચમચા જેટલું પાણી નાખી તેનો કઠણ લોટ બાંધવો, જરૂર પડે તો બે ચમચી જેટલું પાણી નાખી તેને મસળવો, હવે હાથમાં એક ચમચી ઘી લઇ આ લોટ માંથી ગોળો તૈયાર કરવો, ત્યારબાદ એક પ્લાસ્ટિક પાથરી તેની પર આ ગોળામાંથી પાતળો રોટલો વણી લેવો, વચ્ચે ચપ્પુ વડે એક કાપો પાડવો, હવે પિસ્તાના પાઉડરમાં પણ બાકીની ખાંડ અને ઈલાયચી પાઉડર ઉમેરી થોડું પાણી લઇ લોટ બાંધવો, હાથમાં ઘી લગાવી આ લોટમાંથી બે લુવા કરીને હાથ વડે જ પાતળા  લાંબા બે રોલ તૈયાર કરવા, તેને કાજૂના રોટલાની બન્ને બાજુ એક એક મૂકી ધીમા હાથે રોલ તૈયાર કરી એકસરખા કાપા પાડી લેવા, તો તૈયાર છે દિવાળી પર બનતી એકદમ ઇઝી છતાં ટેસ્ટી સ્વીટ કાજૂ પિસ્તા રોલ.
     
Share:

બુધવાર, 26 ઑગસ્ટ, 2015

મન્ચુરીઅન - MANCHURIAN

                                                                       

મન્ચુરીઅન :-

સામગ્રી :-
ખમણેલ ફ્લાવર - 1 કપ
ખમણેલ ગાજર - 1 કપ
ખમણેલ કોબીજ - 1 કપ
સમારેલ લીલી ડુંગળી - 1/2 કપ
સમારેલ ફણસી - 1/2 કપ
લીલી ડુંગળીનો સફેદ ભાગ - 4 નંગ, લાંબી સમારવી
સોયા સોસ - 1, 1/2 ચમચો
લસણની પેસ્ટ - 1 ચમચી
આદુની પેસ્ટ - 1 ચમચી
લાલ મરચાની પેસ્ટ - 1/2 ચમચી
મેંદો - 3 ચમચા
કોર્નફલોર - 1 ચમચો + 1 ચમચી પેસ્ટ માટે
મરી પાઉડર - 1/2 ચમચી
વેજીટેબલ સ્ટોક - 1/2 કપ [ રેસિપી  મુકેલ છે ]
સમારેલ લીલા મરચા - 3 નંગ
એમ, એસ, જી [ આજીનો મોટો ] - 2 ચપટી
મીઠું - સ્વાદાનુસાર
વિનેગર - 1 ચમચી
તેલ - 1 ચમચો + તળવા માટે

રીત :-
         સૌ પ્રથમ એક વાસણમાં ખમણેલ ફ્લાવર, ગાજર, કોબીજ, સમારેલ લીલી ડુંગળી, ફણસી, આદુ અને લસણની પેસ્ટમાંથી 1/2 ચમચી, મીઠું,મરી પાઉડર, એમ એસ જી 1 ચપટી લેવા, હવે તેમાં મેંદો અને કોર્નફલોર નાખી તેને મિક્સ કરતા જઈ દબાવીને  કઠણ લોટ બાંધવો, જરૂર પડે તો મેંદો થોડો ઉમેરવો, હવે આ લોટ માંથી નાના લુવા લઇ તેને દબાવતા જઈ મન્ચુરીઅનના ગોળા તૈયાર કરવા, તેલ ગરમ કરી તેને અધકચરા તળી લેવા, થોડીવાર ઠંડા કરી તેને ફરી તળવા, બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા, હવે બીજા વાસણમાં એક ચમચો તેલ ગરમ કરવું, તેમાં આદુ, લસણની પેસ્ટ 1/2 ચમચી, સમારેલ મરચા, લાંબી સમારેલ ડુંગળી સાંતળવી, તેમાં સોયાસોસ, વિનેગર, લાલ મરચાની પેસ્ટ, મીઠું અને એમ એસ જી નાખી વેજીટેબલ સ્ટોક ઉમેરવો તે ઉકળે એટલે તેમાં તળેલ મન્ચુરીઅન નાખવા, હવે એક ચમચી કોર્ન્ફ્લોરમાં થોડું પાણી નાખી તેને ઉપર રેડી થોડું હલાવી ગેસ બંધ કરવો, સમારેલ લીલી ડુંગળી વડે ગાર્નીશ  કરવા






 
Share:

સોમવાર, 24 ઑગસ્ટ, 2015

રવાનો શીરો [ સૂજીનો શીરો ] - Ravano shiro

                                                              

રવાનો શીરો [ સૂજીનો શીરો ] :-

સામગ્રી :-
રવો [ સૂજી ] - 1/2 કપ
દેશી ઘી - 1/4 કપ
ખાંડ - 1/2 કપ
પાણી - 1, 1/4 કપ
ઈલાયચી પાઉડર - 1 ચપટી
બદામ - 10 થી 12 નંગ
[ ગાર્નીશ કરવા માટે અન્ય ડ્રાયફ્રુટ પણ લઇ શકાય ]

રીત :-
         સૌ પ્રથમ એક વાસણમાં રવો શેકવા માટે ઘી ગરમ કરવું, આ ધીમાં રવો નાખી તેને મધ્યમ તાપમાં ચમચા વડે હલાવતા જવું, રવો તળિયામાં ચોંટે નહી તેનું ધ્યાન રાખવું, બીજા ગેસ પર ખાંડમાં પાણી ઊમેરી તે ઓગળી જાય એટલે ગેસ બંધ કરવો, હવે રવો જયારે શેકાઈને ગોલ્ડન બ્રાઉન કલરનો થાય એટલે તેમાં ખાંડ વાળું પાણી ધીમેથી નાખવું અને હલાવવું, જયારે રવામાં આ પાણી શોષાઈ જાય એટલે ગેસ બંધ કરવો અને ઈલાયચી પાઉડર મિક્સ કરવો, આ શીરાને બદામ કટ કરી તેની વડે ગાર્નીશ કરવો।
Share:

પુરણ પુરી - PURAN POLI

                                                        

પુરણ પુરી :-

સામગ્રી :-

તુવેરદાળ - 1 કપ
ઘઉંનો લોટ - 2 કપ
તેલ - 2 ચમચા
ગોળ [ સમારીને ]  - 1 કપ
ઈલાયચી પાઉડર - 1 ચપટી
ઘી - ઈચ્છા મુજબ
પાણી - જરૂર પ્રમાણે

રીત ;-
            સૌ પ્રથમ તુવેરદાળને ધોઈને તેને કુકરમાં લઇ તેમાં બે કપ પાણી નાખી તેને ચાર સીટી કરી બાફી લેવી, હવે એક વાસણમાં ઘઉંનો લોટ અને તેલ લઇ પાણી વડે રોટલીનો લોટ બાંધી લેવો, ત્યારબાદ કુકર ખોલી બાફેલ દાળમાં ગોળ ઉમેરી તેને ચમચા વડે હલાવતા જઈ ગરમ કરવું, ગોળ દાળ સાથે એકદમ ઓગળી જાય અને વધારાનું પાણી બળી જાય એટલું ગરમ કરી ગેસ બંધ કરવો, આ મિશ્રણમાં ઈલાયચી પાઉડર ઉમેરવો, મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે રોટલીના લોટમાંથી નાના લુવા તૈયાર કરી તેને થોડું વણી તેમાં તૈયાર કરેલ પુરણ બે ચમચી જેટલું ભરી વણેલ પૂરીને  ચારે બાજુથી બંધ કરી સહેજ દબાવી ફરી નાની રોટલી હળવા હાથે વણી લેવી, હવે તવો ગરમ કરી આ રોટલીને થોડા ઘી વડે શેકી લેવી, આ રીતે બધી પુરણ પુરી તૈયાર કરી લેવી, તે ખુબ સ્વાદિષ્ટ ગરમા ગરમ ખવાતું વ્યંજન છે.
Share:

શનિવાર, 22 ઑગસ્ટ, 2015

નાન [ તવા પર ] - Naan on tawa

                                                                
નાન [ તવા પર ] :-

સામગ્રી :-
મેંદો - 1, 1/2 કપ
તેલ - 1 ચમચો
મીઠું - સ્વાદાનુસાર
ખાંડ - 1/2 ચમચી
બેકિંગ સોડા - 1/4 ચમચી
દહીં - 1/4 કપ
ઘી - જરૂર મુજબ [ નાન પર લગાવવા ]

રીત :-
       સૌ પ્રથમ એક વાસણમાં મેંદો, મીઠું, તેલ, ખાંડ, બેકિંગ સોડા અને દહીં લેવું, ત્યારબાદ લોટ બાંધવા જેટલું પાણી થોડું ગરમ કરવું, મેંદા વાળા મિશ્રણમાં આ પાણી થોડું થોડું  નાખતા જઈ એકદમ સોફ્ટ લોટ બાંધવો, લોટ થોડો હાથમાં ચોંટે એવો સોફ્ટ બાંધવો, ત્યારબાદ હાથમાં થોડું તેલ લગાવી આ લોટને પાંચેક મિનીટ મસળવો, હવે આ લોટ પર થોડું તેલ લગાવી તેને બે કલાક માટે ગરમ જગ્યા પર ઢાંકીને રાખી દેવો, જેથી તે ફૂલીને ડબલ થઇ જશે, ત્યારબાદ હાથમાં મેંદો લગાવી આ લોટમાંથી એકસરખા 5 લુવા તૈયાર કરવા, તેને મેંદામાં રગદોળી લેવા, હવે તવો ગરમ કરવા મુકવો, લુવાને પાટલા પર લઇ વેલણ વડે વણતા જવું, તેને લંબગોળ અથવા ગોળ આકાર આપવો અને રોટલી કરતા થોડો જાડો રાખવો , નાન વણાઈ જાય એટલે ચમચી વડે તેની પર સહેજ પાણી લગાવવું, ત્યારબાદ ગરમ તવા પર નાનનો પાણી લગાવેલ ભાગ નીચે રહે તે રીતે શેકવા મુકવી, નાન પર ફરતે મોટા બબલ દેખાય એટલે તવાને હેન્ડલ વડે પકડી તેને ઉંધો કરી ડાયરેક્ટ ફ્લેમ પર નાનનો બીજો ભાગ શેકવો, નાન પર પાણી લગાડેલ હોવાથી તે પળી જશે નહી, હવે આ ભાગ ફરતે બ્રાઉન બબલ થઇ જાય એટલે તવો સીધો કરી તવેથા વડે નાન કાઢી, ડીશમાં લઇ તેની પર ઘી લગાવવું, આ રીતે બધી નાન તૈયાર કરવી, આ પંજાબી નાનને ગ્રેવી વાળી કોઈ પણ શબ્જી કે છોલે મસાલા સાથે ખાવાની બહુ મજા આવે છે.
Share:

શુક્રવાર, 21 ઑગસ્ટ, 2015

મૂંગ દાલ હલવા - MUNG DAAL HALWA

                                                            

મૂંગ દાલ હલવા :-

સામગ્રી :-
મગની દાળ - 1/2 કપ
દેશી ઘી - 1/2 કપ
ખાંડ - 1 કપ
પાણી - 1, 1/4 કપ
ઈલાયચી પાઉડર - 1/4ચમચી
બદામ - 8 થી 10 નંગ

રીત :-
            સૌ પ્રથમ મગની દાળને ધોઈને 4 થી 5 કલાક પાણીમાં પલાળવી, ત્યારબાદ તેનું પાણી દુર કરી મિક્સરમાં સ્મૂથ પેસ્ટ તૈયાર કરવી, હવે એક વાસણમાં ઘી ગરમ કરવું,  તેમાં મગદાળની પેસ્ટ ઉમેરી તેને હલાવતા જઈ શેકવી, આ પેસ્ટ તળિયામાં ચોંટે નહી તેનું ધ્યાન રાખી હલાવતા જવું, ગઠ્ઠા ના રહે તેનું પણ ધ્યાન રાખવું, બીજા ગેસ પર પાણીમાં ખાંડ ઉમેરી તેને ગરમ કરવું, ખાંડ ઓગળી ગયા બાદ બે ત્રણ મીનીટમાં એ ગેસ બંધ કરવો, પેસ્ટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ધીમા ગેસ પર શેકવી, હવે આ પેસ્ટમાં ગરમ કરેલ ખાંડનું પાણી ધીમે ધીમે રેડતા જવું અને હલાવતા જવું, હલવો પાણી શોષે ત્યાં સુધી હલાવવો, ત્યારબાદ ગેસ બંધ કરી ઈલાયચી પાઉડર મિક્સ કરી, બદામને કટ કરી તેના વડે હલવો સજાવવો, તો તૈયાર છે, ગરમા ગરમ ખવાતો  સ્વીટ અને ટેસ્ટી મૂંગ દાળ હલવો।
Share:

ગુરુવાર, 20 ઑગસ્ટ, 2015

કલાકંદ - KALAKAND [ SWEET]

                                                                     

કલાકંદ :-

સામગ્રી :-
ફુલ ક્રીમ મિલ્ક - 2 લીટર [ 1 લીટર પનીર બનાવવા + 1 લીટર ઉકાળવા ]
ખાંડ - 100 ગ્રામ
લીંબુનો રસ - 2 ચમચા જેટલો [ પનીર બનાવવા માટે ]
બદામ - 7થી 8 નંગ
પિસ્તા - 8 થી 10 નંગ
ઈલાયચી - 5 દાણા ફોલીને પાઉડર કરવો 

રીત :-
         સૌ પ્રથમ એક લીટર દૂધમાંથી પનીર તૈયાર કરીશું, આ માટે દૂધ ગરમ કરીશું, દુધમાં ઉભરો આવે એટલે ગેસ બંધ કરીશું, દુધમાંથી વરાળ નીકળતી ઓછી થાય કે તરત તેમાં  ધીમે ધીમે લીંબુનો રસ નાખતા જવું અને હલાવતા જવું, દૂધ ફાટી જાય ત્યારે લીંબુનો રસ નાખવાનો બંધ કરીશું, અને તરત સુતરાઉ કપડામાં ગાળી લઈશું, અને આ તૈયાર કરેલ પનીરને પાણી થી ધોઈને કપડામાં જ નીચોવી લઈશું, હવે બીજું એક લીટર દુધને ગેસ પર ગરમ કરવા મુકવું અને હલાવતા જવું, આ દૂધ ત્યાં સુધી હલાવવું કે તે અડધું રહે, દૂધ અડધું રહે એટલું ઘટ્ટ થાય એટલે તેમાં તૈયાર કરેલ પનીરને હાથ વડે મસળી છુટ્ટું કરી ઉમેરવું અને ફરી આ મિશ્રણને હલાવતા જવું જેથી તેનું વધારાનું પાણી બળી જાય, આ રીતે તેનું માવા જેવું મિશ્રણ તૈયાર થશે, હવે તેમાં ખાંડ ઉમેરવી, ફરી તેને હલાવતા જેવું, જયારે ખાંડ એકદમ ઓગળીને જામવા જેવું લાગે એટલે ગેસ બંધ કરી તેમાં ઈલાયચી પાઉડર મિક્સ કરવો, એક ડિશમાં ઘી લગાવી આ મિશ્રણ તેમાં ઠારવું, ઉપર ડ્રાયફ્રુટ
  કટ કરી ભભરાવવા, ઠંડુ પડે એટલે તેના કાપા  પાડી લેવા, કલાકંદ તૈયાર।




Share:

મંગળવાર, 18 ઑગસ્ટ, 2015

વાટેલી દાળના ખમણ - vateli dalna khaman

                                                       
વાટેલી દાળના ખમણ :-

સામગ્રી :-

ચણાની દાળ - 1 કપ
દહીં - 2 ચમચા
તેલ - 4 ચમચા
આદુ, મરચાની પેસ્ટ - 2 ચમચી
મીઠું - 1/4 ચમચી અથવા તેનાથી પણ ઓછું
હળદર - 1/4 ચમચી
લીંબુનો રસ - 2 ચમચી
ફ્રુટ સોલ્ટ  [ ઈનો ] - 1 ચમચી
રાઈ - 2 ચમચી
હિંગ - 1 ચપટી
સમારેલ કોથમીર - 1/2 ઝૂળી
તળેલ લીલા મરચા - સર્વ કરવા, ઈચ્છા મુજબ

રીત:-
             સૌ પ્રથમ ચણાની દાળને ધોઈને 8 થી 10 કલાક માટે પાણીમાં પલાળવી, ત્યારબાદતેનું પાણી દુર કરી અને થોડું પાણી રહેવા દઈને તેમાં એક ચમચો દહીં અને એક ચમચો તેલ નાખી મિક્સરમાં ખીરું તૈયાર કરી લેવું, આ ખીરાને ગરમ જગ્યા પર ઢાંકીને 6 કલાક અથવા થોડુ ફૂલે [ આથો આવે ] ત્યાં સુધી રાખી મુકવું, હવે આ ખીરામાં ફરી એક ચમચો દહીં, એક ચમચો તેલ ઉમેરવું , સાથે જ આદુ- મરચાની પેસ્ટ, મીઠું, હળદર, લીંબુનો રસ ઉમેરી સારી રીતે ફીણી લેવું, હવે જે વાસણમાં ખમણ બાફ્વાના હોય તેમાં પહેલાથી જ પાણી ગરમ થવા મૂકી રાખવું, અને જે ટ્રેમાં ખમણ બનાવવાના હોય તેમાં તેલ લગાવી દેવું, ત્યાર બાદ ખીરામાં ઈનો નાખી તેને ફીણવું જેવો ઉભરો આવે કે તરત ખીરું ટ્રેમાં રેડીને આ ટ્રેને ગરમ પાણી મુકેલા વાસણમાં રાખી ઢાંકીને 15 મિનીટ માટે ફાસ્ટ ગેસ પર વરાળ વડે  [ સ્ટીમ વડે ] બાફવા, ત્યારબાદ ખમણને ચપ્પુ વડે ચેક કરવા, જો ચપ્પુ કોરું બહાર નીકળે તો ખમણ બફાઈ ગયા હશે, નહિતર ફરી થોડીવાર બાફવા, ત્યારબાદ ખમણ થોડા ઠંડા થાય એટલે તેને ચોરસ કટ કરી લેવા, તેની પર જરા પાણી છાંટવું, હવે તેનો વઘાર તૈયાર કરવા માટે એક વાસણમાં બે ચમચા તેલ ગરમ કરવું, તેમાં રાઈ નાખી તેને તતડવા દેવી,તેમાં હિંગ નાખી ગેસ બંધ કરવો, આ વધાર ખમણ પર ચમચી વડે રેડવો, સમારેલ કોથમીર વડે ગાર્નીશ કરવું, તળેલ મરચા સાથે સર્વ કરવા।
Share:

સોમવાર, 17 ઑગસ્ટ, 2015

સેવ ડુંગળીનું શાક - sev dungdinu shak

                                                           

સેવ ડુંગળીનું શાક :-

સામગ્રી :-

લીલી ડુંગળી - 6 નંગ
ઝીણી સેવ - 50 ગ્રામ
તેલ - 1, 1/2 ચમચો
રાઈ - 1/4 ચમચી
જીરું - 1/4 ચમચી
હિંગ - 1 ચપટી
મીઠું - સ્વાદાનુસાર
હળદર - 1/4 ચમચી
લાલમરચા પાઉડર - 1/2 ચમચી
ધાણા પાઉડર - 1/2 ચમચી

રીત :-
             સૌ પ્રથમ લીલી ડુંગળીને ઝીણી સમારી લેવી, હવે એક વાસણમાં તેલ ગરમ કરવું, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખી તતડવા દેવા, તે તતડી ગયા બાદ હિંગ નાખી તરત સમારેલ ડુંગળી નાખવી, હલાવીને સેવમાં મીઠું હોવાથી ડુંગળીના માપનું જ મીઠું ઉમેરવું, બાકીના મસાલા હળદર, ધાણા પાઉડર, લાલ મરચું ઉમેરી ડુંગળી કુક થવા દેવી, લીલી ડુંગળીમાં કુદરતી પાણી હોવાથી તે જલ્દી પાકી જશે, હવે તેમાં જો રસો કરવો હોય તો 1/4 ગ્લાસ જેટલું પાણી ઉમેરવું નહીતર ડાયરેક્ટ ઝીણી સેવ નાખીને શાક હલાવીને ગેસ બંધ કરી દેવો, સેવ ડુંગળીનું શાક જલ્દી તૈયાર થઇ જાય છે અને સ્વાદમાં પણ સ્વાદિષ્ટ બને છે.


Share:

સુરતી લોચો - SURATI LOCHO

                                                              

સુરતી લોચો :-

સામગ્રી ;-
ચણા દાળ - 1, 1/2 કપ
અળદ  દાળ - 1/2 કપ
 પૌઆ - 1/2 કપ
તેલ  - જરૂર પ્રમાણે 
લીલા મરચા - 5 નંગ
આદુંની પેસ્ટ - 1 ચમચી
હિંગ - 1 ચપટી
હળદર - 1/4 ચમચી
મરી પાઉડર - 1/4 ચમચી
લાલ મરચા પાઉડર - 1/2 ચમચી
ઈનો - 1,1/2  ચમચી
મીઠું - સ્વાદાનુસાર
લીંબુ - 2 નંગ
કોથમીર લીલા મરચાની ચટણી - જરૂર પ્રમાણે
સેવ - ગાર્નીશ માટે
કોથમીર - 1/2 ઝૂળી

રીત :-
              સૌ પ્રથમ ચણાની દાળ અને અળદની દાળને  5 કલાક માટે અલગ પલાળવી, પૌઆને પેસ્ટ તૈયાર કરવાની થાય તેની 10 મિનીટ પહેલા પલાળવા, હવે ચણા દાળની કરકરી પેસ્ટ તૈયાર કરવી, અળદની દાળને પણ કરકરી પિસવી, આ દાળની સાથે પૌઆ પણ પીસી લેવા,ત્રણેય પેસ્ટને મિક્સ કરી,  થોડું પાણી ઉમેરી સારી રીતે હલાવવી, ઢોકળાની પેસ્ટ જેવી બને ત્યાં સુધી પાણી ઉમેરવું, હવે આ મિશ્રણમાં આદુની પેસ્ટ, એક મરચું સમારી ઉમેરવું, હળદર, મીઠું, હિંગ આ બધું ઉમેરી હલાવવું, હવે એક ઢોકળા બનાવવાનું વાસણ લઇ, અથવા કોઈ પણ વાસણ કે જેમાં બાફી શકાય, તેમાં 3 થી 4 કપ પાણી નાખી, જેમાં મિશ્રણ ભરવાનું હોય તેમાં તેલ લગાવી લેવું, હવે મિશ્રણમાં 1, 1/2 ચમચી ઈનો [ ફ્રુટ સોલ્ટ ] નાખી ફીણવું, તેમાં સહેજ ઉભરો આવે કે તરત આ મિશ્રણને તેલ લગાડેલ વાસણમાં લઇ તેને સ્ટીમરમાં મૂકી, ઉપર મરી અને મરચા પાઉડર છાંટી, ઢાંકીને 20 મિનીટ  માટે મધ્યમ ગેસ પર બાફવું, ચપ્પુ વડે ચેક કરી ગેસ બંધ કરવો, હવે આ લોચાને ચમચા વડે એક ડીશમાં લઇ, ઉપર તેલ, લીંબુનો રસ, લીલી ચટણી, કોથમીર અને સેવ વડે સજાવી, લીલા મરચા સાથે ગરમા ગરમ સર્વ કરવો,

Share:

શનિવાર, 15 ઑગસ્ટ, 2015

સેઝવાન રાઈસ - SHEZWAN RICE

                                                              
                                     
સેઝવાન રાઈસ :-

સામગ્રી :-
બાસમતી ચોખા - 1 કપ
ગાજર - 1 નંગ
કેપ્સીકમ - 1 નંગ
ફણસી - 50 ગ્રામ
લીલી ડુંગળી [ સ્પ્રિંગ ઓનિયન ] - 3 નંગ
લસણ - 10 થી 12 કળી
સેઝવાન સોસ - 3 ચમચી
વિનેગર  - 1/2 ચમચી
ચીલી સોસ - 1/2 ચમચી
તેલ - 2 ચમચા
મીઠું - સ્વાદાનુસાર

રીત :-
               સૌ પ્રથમ ચોખાને અડધો કલાક પાણીમાં પલાળી તેને દરેક દાણો છુટ્ટો રહે તે રીતે બાફી લેવા, ગાજર, કેપ્સીકમ, ફણસી અને લીલી ડુંગળીને એકસરખા માપમાં સમારી લેવા,લસણની કળી ઝીણી સમારી લેવી, હવે એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં સમારેલ ગાજર, કેપ્સીકમ, ફણસી, લસણ  નાખવા, સમારેલ લીલી ડુંગળીમાંથી થોડી સજાવવા માટે અલગ રાખી બાકીની આમાં ઉમેરી દેવી તેને થોડીવાર સાંતળવા દેવું, આ બધું વધુ પડતું પકાવવું નહી, હવે તેમાં મીઠું ઉમેરવું, સેઝવાન સોસમાં થોડું મીઠું હોવાથી માપનું જ નાખવું, ત્યારબાદ તૈયાર કરેલ ભાત ઉમેરી થોડા ઉછાળીને મિક્સ કરવા, એકાદ મિનીટ ઉછાળ્યા બાદ તેમાં સેઝવાન સોસ, વિનેગર અને ચીલી સોસ ઉમેરી ફરી થોડીવાર ઉછાળીને ગેસ બંધ કરવો, એક ડીશમાં ગરમા ગરમ સેઝવાન રાઈસ લઇ, સમારેલ લીલી ડુંગળી વડે ગાર્નીશ કરી સેઝવાન રાઈસની મજા માણવી।
Share:

બુધવાર, 12 ઑગસ્ટ, 2015

કાશ્મીરી પુલાવ - KASHMIRI PULAO

                                                                 

કાશ્મીરી પુલાવ :-

સામગ્રી :-
ચોખા - 1 કપ
ઘી - 3 ચમચા
ડુંગળી - 1 નંગ, લાંબી-પાતળી સમારેલ
મરી - 5 નંગ
તજ - 1 નાનો ટુકડો
લવિંગ - 3 નંગ
ઈલાયચી - 3 નંગ
વરીયાળી - 1 ચમચી
દૂધ - 2 ચમચા
કેસર - 6 થી 7 તાંતણા
મીઠું - સ્વાદાનુસાર
ખાંડ - 1 ચમચી
કાજૂ - 1 ચમચો ફાડા કરવા
દ્રાક્ષ [ લીલી અથવા સૂકી ] - 1 ચમચો
અખરોટ - 2 નંગ, ઝીણી ફોલી લેવી
સફરજન - 1/2" ઇંચના ટુકડા કરવા
દાડમના દાણા - જરૂર પ્રમાણે, સજાવવા

રીત :-
           સૌ પ્રથમ ચોખાને થોડીવાર પાણીમાં પલાળવા, ત્યારબાદ તેનું પાણી દુર કરી તેને બાફી લેવા, ભાત એકદમ છુટ્ટા રહે અને વધુ પડતા બફાઈ ન જાય તેનું ધ્યાન રાખવું, તેને ઠંડા થવા દેવા, ત્યારબાદ એક વાસણમાં 2 ચમચા ઘી ગરમ કરવું, તેમાં મરી, તજ, લવિંગ , ફોલેલ ઈલાયચી અને વરીયાળી નાખી હલાવી અને સમારેલ ડુંગળી ઉમેરવી, તેને બે મિનીટ સાંતળવી, ત્યારબાદ તેમાં તૈયાર કરેલ ભાત ઉમેરવા, હવે થોડું હુંફાળું દૂધ લઇ તેમાં કેસર ઉમેરી આ ભાતમાં નાખી હલાવી લેવા, મીઠું અને ખાંડ ઊમેરી ગેસ બંધ કરવો અથવા આ ભાતને બીજા વાસણમાં કાઢી લેવા, હવે ફરી 1 ચમચો ઘી ગરમ કરવું, તેમાં ડ્રાયફ્રુટ નાખી શેકવા, ત્યારબાદ તેમાં દ્રાક્ષ અને સમારેલ સફરજન નાખી, હલાવી, ગેસ બંધ કરવો તેને તૈયાર કરેલ ભાતમાં ઉમેરવું, છેલ્લે દાડમના દાણા વડે ગાર્નીશ કરવા [ સજાવવા ], કાશ્મીરી પુલાવ તૈયાર, આ પુલાવ ખુબ ટેસ્ટી લાગે છે, દેખાવ પણ સારો લાગવાથી ખાસ દિવસે બનાવી શકાય।
Share:

સોમવાર, 10 ઑગસ્ટ, 2015

જીરા રાઈસ - JEERA RICE


જીરા રાઈસ :-

સામગ્રી :-
બાસમતી ચોખા - 1 કપ
ઘી - 1 ચમચી
જીરું - 1 ચમચી
પાણી - 2 કપ
મીઠું - સ્વાદાનુસાર

રીત :-
         સૌ પ્રથમ બાસમતી ચોખાને અડધો કલાક પાણીમાં પલાળવા, ત્યારબાદ જીરા રાઈસ બનાવતી વખતે તેનું પાણી દુર કરવું, હવે જીરા રાઈસ માઇક્રોવેવમાં બનાવવા માટે માઇક્રોવેવ સેફ બાઉલનો ઉપયોગ કરવો, તેમાં એક ચમચી ઘી લઇ તેને માઈક્રો હાઈ પાવર પર 30 સેકન્ડ માટે ઓગળવું, ત્યારબાદ તેમાં એક ચમચી જીરું નાખી તેને માઈક્રો હાઈ પર દોઢ મિનીટ માટે શેકવું, હવે આ બાઉલમાં પાણી, ચોખા અને સ્વાદાનુસાર મીઠું નાખી, માઈક્રો હાઈ પાવર પર 8 મિનીટ માટે પકાવવા, બાઉલ થોડીવાર માઇક્રોવેવ અંદર રહેવા દેવો [ સ્ટેન્ડિંગ ટાઇમ આપવો ] વણાંક વાળા અને સ્વાદિષ્ટ જીરા રાઈસ તૈયાર।
     
Share:

Recent Posts

Unordered List

Pages

Theme Support